‘પાકિસ્તાન સાથે આરપારની લડાઈ કરી PoK પરત મેળવે ભારત’

નવી દિલ્હી- પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધ વિરામના ઉલ્લંઘન પર કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સરકારે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરવી જોઈએ અને પાકિસ્તાન પર એટેક કરી PoKને પાકિસ્તાનના કબજામાંથી પરત મેળવવું જોઈએ.રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું કે, ‘પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી સરહદ પર ફાયરિંગ કરે છે તેમ છતાં ભારત તેની સામે મિત્રતાનો હાથ લંબાવે છે. ભારતની આ સહનશક્તિને પાકિસ્તાન ભારતની નબળાઈ સમજે છે. જેથી મને લાગે છે કે હવે પાકિસ્તાન સાથે નિર્ણાયક યુદ્ધ કરી લેવાનો સમય આવી ગયો છે. જેથી પાકિસ્તાનને સબક શિખવાડી શકાય’.

રામદાસ આઠવલેએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભારત એક વાઘ છે અને ભારત સામે પાકિસ્તાન દરેક મોરચે સાવ વામણું પુરવાર થશે. ‘આપણે વાજપેયીજીના એ કથન પરથી સબક શિખવો જોઈએ, જેમાં તેમણે પાકિસ્તાનને કહ્યું હતું કે, અમારી મિત્રતા સ્વીકારો અથવા અમે હુમલો પણ કરી શકીએ છીએ’.

પાકિસ્તાન પર હુમલો કરવાની વાત અંગે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું કે, ભારતે હુમલો એવી રીતે કરવો જોઈએ કે, PoKતો પરત લઈએ જ. પરંતુ સાથેસાથે પાકિસ્તાનનો કેટલોક ભાગ પણ ભારતે પોતાના અધિકૃત કરી લેવો જોઈએ.