સાધુ-સંતો દ્વારા મોટી ઘોષણાઃ 21 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરાશે

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) – પરમ ધર્મ સંસદે આજે જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ આવતી 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. આ જાહેરાત જગતગુરુ શંકરાચાર્ય (દ્વારકા) સ્વામી સ્વરૂપાનંદની ધર્મ સંસદે કરી છે.

આ ધાર્મિક સંગઠનનાં આગેવાનો આજે અહીં કુંભ મેળા વખતે કુંભ મેળા ક્ષેત્રના સેક્ટર-9સ્થિત શિબિરમાં મળ્યા હતા અને એમાં તેમણે ઘોષણા કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આદર કરે છે, પણ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાનો સમય હવે આવી ગયો છે.

એમણે એવું ઉમેર્યું પણ હતું કે તેઓ મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા જશે અને સાથે ચાર પથ્થર લઈ જશે અને મંદિરનું બાંધકામ શરૂ કરશે.

સ્વરૂપાનંદે આજે પરમ ધર્મ સંસદની બેઠક બોલાવી હતી. એમાં એવો નિર્ણય લેવાયો હતો કે 21 ફેબ્રુઆરી, 2019ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે અને 21 ફેબ્રુઆરીથી સાધુ-સંત અયોધ્યા માટે કૂચ પણ કરશે. આજે રજૂ કરાયેલા પ્રસ્તાવને પાસ કરી દેવામાં આવ્યો છે.

આમ, કેન્દ્ર સરકાર રામ મંદિર બાંધવા માટે પોતાની તરફથી પૂરા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી બાજુ, સાધુ-સંતો પોતાની રીતે આગળ વધવા મક્કમ છે.

સંતોએ કહ્યું કે અમે અદાલતો તથા દેશના વડા પ્રધાનનો આદર કરીએ છીએ, પરંતુ અમે ચાર પથ્થર અયોધ્યા લઈ જશું. એ પથ્થર ચાર વ્યક્તિ ઉપાડશે જેથી કલમ 144નો કોઈ રીતે ભંગ નહીં થાય. મંદિર બાંધવામાં તો સમય લાગશે, પરંતુ જો એની શરૂઆત કરવામાં નહીં આવે તો એ ક્યારેય બની નહીં શકે. રામલલા ત્યાં બિરાજમાન છે જ.

આજે આખો દિવસ રામ મંદિર નિર્માણ મુદ્દે ચર્ચા થઈ હતી અને ચર્ચાને અંતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. એમાં જણાવાયું હતું કે 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે. મંદિર નિર્માણની જવાબદારી સાધુ-સંતોના ખભા પર રહેશે. સ્વરૂપાનંદે કહ્યું કે અયોધ્યામાં મસ્જિદ નહીં, મંદિર તોડવામાં આવ્યું હતું.

સ્વરૂપાનંદે મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે જન્મભૂમિ છોડીને બીજી જગ્યાએ રામ મંદિર નિર્માણનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવે કહ્યું હતું કે જેમની પાસેથી સરકારે જમીન મેળવી છે એ તેમને પાછી આપવામાં નહીં આવે. અમે અયોધ્યા જઈને જન્મભૂમિમાં મંદિરનો શિલાન્યાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક અરજી નોંધાવીને સુપ્રીમ કોર્ટ પાસે એવી પરવાનગી માગી છે કે તે અયોધ્યામાં વિવાદાસ્પદ મંદિર-મસ્જિદ સ્થળની આસપાસની 67 એકરની વધારાની ખાલી જમીન, જે સરકારે હાંસલ કરી છે, તે એમના માલિકોને સુપરત કરી દે.

આ અતિરિક્ત જમીન રામ જન્મભૂમિ ન્યાસને સુપરત કરવાની પરવાનગી આપવામાં આવે એવું સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે. આ ટ્રસ્ટની રચના અયોધ્યામાં રામ મંદિરના બાંધકામના કાર્યનો પ્રચાર કરવા તેમજ દેખરેખ રાખવા માટે કરવામાં આવી છે.