રામ મંદિર મામલે 60 સેકન્ડ જ થઈ સુપ્રીમમાં સુનાવણી, થશે નવી બેંચની નિમણૂંક

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કર્યા છે કે આ મામલે આગળની સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. દસ જાન્યુઆરી પહેલા આ મામલા માટે નવી બેંચનું ગઠન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આજે 10 વાગ્યે અને 40 મીનિટે સુનાવણી શરુ થઈ. આ દરમિયાન માત્ર 60 સેકન્ડ જ સુનાવણી થઈ. હવે નવી બેંચ જ નક્કી કરશે કે શું આ મામલો ફાસ્ટટ્રેકમાં સાંભળવો જોઈએ કે નહી.

હિન્દૂ મહાસભાના વકીલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ 10 જાન્યુઆરીના રોજ આ મામલો સાંભળશે ત્યા સુધીમાં નવી બેંચનું ગઠન કરી લેવામાં આવશે. તેમનું કહેવું છે કે સુપ્રિમ કોર્ટ જ્યારે 10 જાન્યુઆરીના રોજ આ મામલો સાંભળશે ત્યારે અમે અપીલ કરીશું કે તે આ મામલે રોજ સુનાવણી કરે. જો સુપ્રીમ કોર્ટ આ મામલાને બીજીવાર તો આવનારા 60 દિવસમાં આનો નિર્ણય આવી શકે છે. હિન્દૂ મહાસભાના વકીલનું કહેવું છે કે તે સુપ્રિમ કોર્ટના નિર્ણથી ખુશ છે.

બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રામ મંદિર પર કેન્દ્ર સરકારને અધ્યાદેશ ન લાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ યોગ્ય કહ્યું છે કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને આપણે નિર્ણયની રાહ જોવી જોઈએ.

આપને જણાવી દઈએ કે શુક્રવારની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની પીઠ સામે થઈ. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સમાન રુપે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 29 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉચિત પીઠ સમક્ષ સુચીબદ્ધ થશે, જે આની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે. બાદમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ પહેલા કરવા અનુરોધ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આમ કરવાનો ઈનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 29 ઓક્ટોબરના રોજ જ આ મામલે સુનાવણી માટે આદેશ પારિત કરવામાં આવી ચૂક્યો છે. હિન્દૂ મહાસભા આ મામલે મૂળ વાદકારિઓ પૈકી એક એમ સિદ્દિકના વારિસો દ્વારા દાખલ અપીલમાં એક પ્રતિવાદી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 સપ્ટેમ્બર 2018ના રોજ તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મીશ્રાની અધ્યક્ષતા વાળી ત્રણ સદસ્યીય પીઠે 2-1ના બહુમતથી 1994ના એક નિર્ણયમાં કરવામાં આવેલી પોતાની ટિપ્પણી પર નવેસરથી વિચાર કરવા માટે મામલાને પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ પાસે મોકલવાનો ઈનકાર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે વર્ષ 1994માં આ મામલે ટિપ્પણી કરવામાં આવી હતી કે મસ્જિદ ઈસ્લામનું અભિન્ન અંગ નથી. અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન એક અપીલકર્તાના વકીલે 1994ના નિર્ણયમાં કરવામાં આવેલી આ ટિપ્પણીના મુદ્દાને ઉઠાવ્યો હતો.

અનેક હિન્દૂવાદી સંગઠન વિવાદિત સ્થળ પર રાજ મંદિરનું જલ્દી નિર્માણ કરવા માટે અધ્યાદેશ લાવવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારના રોજ થનારી સુનાવણી મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના મામલે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અધ્યાદેશ લાવવા માટે નિર્ણય કરવામાં આવી શકે છે.