રાજ્યસભા ચૂંટણી: યોગીની રણનીતિએ UPમાં વિપક્ષની બાજી બગાડી

લખનઉ- ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી, ડૉ. અનિલ જૈન, અશોક વાજપેયી, કાંતા કર્દમ, વિજયપાલસિંહ તોમર, ડૉ. હરનાથસિંહ યાદવ, સકલદીપ રાજભર અને જીવીએસ નરસિમ્હા સહિત 9માં ઉમેદવારતરીકે અનિલ અગ્રવાલની જીત થઈ છે. આમ, 15 દિવસ પહેલાં જ ગોરખપુર અને ફુલપુરની સીટ ગુમાવનાર સીએમ યોગીએ 15 દિવસમાં વિપક્ષને હરાવીને બદલો લઈ લીધો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.અંત સુધી રોમાંચક રહેલી ચૂંટણીમાં અનિલ અગ્રવાલને 33 જ્યારે ભીમરાવ આંબેડકરને 32 વોટ મળ્યા હતા. આ રીતે ભારતીય જનતા પાર્ટીએ 9મી બેઠક પર જીત મેળવી અને અનિલ અગ્રવાલે બાજી મારી. જોકે આ બેઠક માટે જ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મહેનત કરવી પડી હતી. રાજ્યસભા ચૂંટણી જીતવા માટે સીએમ યોગીએ એસપી અને બીએસપીની જ પદ્ધતીનો ઉપયોગ કર્યો હતો. અનિલ સિંહ (બસપા), નિતિન અગ્રવાલ (સપા) અને વિજય મિશ્રા (નિષાદ પાર્ટી)એ બીજેપીના પક્ષમાં વોટ આપીને રાજ્યસભા ચૂંટણીના સમગ્ર ગણીતને ફેરવી નાખ્યું છે.