રાજધાની ટ્રેનમાં ટિકીટ કન્ફર્મ નહીં થાય તો મળશે હવાઈ યાત્રાની સુવિધા

નવી દિલ્હી- રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. એસી ક્લાસ-1 અને ક્લાસ-2ના પ્રવાસીઓની ટિકીટ જો કન્ફર્મ નહીં થાય તો તેમને પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવા માટે વિમાનની ટિકીટ આપવામાં આવી શકે છે. એર ઈન્ડિયાના પૂર્વ ચેરમેન અશ્વિની લોહાનીએ ગત વર્ષે આ અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જોકે રેલવે બોર્ડે આ અંગે કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપી ન હતી. રેલવે બોર્ડના ચેરમેન બન્યા બાદ ફરી એકવાર આ યોજનાને લીલી ઝંડી આપવાની વાત કરી છે. હવે એર ઈન્ડિયાના જવાબની રાહ જોવાઈ રહી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર લોહાનીએ કહ્યું કે, જો એર ઈન્ડિયા સકારાત્મક જવાબ આપશે તો અમે આ યોજના પર આગળ વધવા તૈયાર છીએ.

યોજના અંગે જણાવતા લોહાનીએ કહ્યું કે, રેલવેમાં પ્રવાસીઓનો ધસારો જોતાં પ્રવાસીઓની એસી ક્લાસ-2ની ટિકીટ મોટી સંખ્યામાં કન્ફર્મ થયા વિના પડી રહે છે. જેથી નવી યોજના અમલી બન્યા બાદ જે પણ પ્રવાસીઓની ટિકીટ કન્ફર્મ નહીં થાય તેની વિગતો સીધી જ એર ઈન્ડિયા સાથે શેર કરવામાં આવશે. અને એર ઈન્ડિયા તેને નજીવા વધારા સાથે અથવા સમાન દર સાથે પ્રવાસીઓને હવાઈ ટિકીટ ઓફર કરશે.

આ અંગે એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે, લોહાનીનો વિચાર આવકારવા લાયક છે. કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ વગર પ્રવાસીઓના લાભ માટે રેલવેએ આ માટે એર ઈન્ડિયા અને અન્ય ખાનગી વિમાની કંપનીઓ સાથે કરાર કરવા જોઈએ.