રાજસ્થાન: ચૂંટણી પહેલાં સંત સાનિધ્યમાં પહોંચ્યા સીએમ વસુંધરા રાજે

જયપુર- રાજસ્થાનની સત્તામાં ટકી રહેવા અને રાજ્યમાં સત્તા પરિવર્તનની પરંપરાને સમાપ્ત કરવાના હેતુથી રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરા રાજે હાલના દિવસોમાં ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત છે. આ માટે હાલમાં પાલી જિલ્લાના રણકપુરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.આ દરમિયાન મુખ્યપ્રધાન વસુંધરા રાજે સંતો-મહંતો પાસેથી આશીર્વાદ લઈ રહ્યાં છે. આજે ઉમેદવારોની પસંદગી પ્રક્રિય પહેલાં મુખ્યપ્રધાન વસુંધરા રાજે સંત અવધેશાનંદ ચૈતન્યના સાનિધ્યમાં પહોંચ્યા હતા. સાદડી સ્થિત આશ્રમમાં સંતે સીએમ રાજેને ચંદનનું તિલક લગાવી, પુષ્પહાર અર્પણ કરી અને ચૂંદડી ઓઢાડી સ્વાગત કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન જે પણ નામ સામે આવશે તેમને 15 સદસ્યોની કોર કમિટિ સમક્ષ રાખવામાં આવશે. ત્યારબાદ જે-તે ઉમેદવારના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન ઈચ્છુક ઉમેદવારોની સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવશે. જેથી ટિકિટ વિતરણ સમયે કોઈને અસંતોષ થાય નહીં.