હવે મહારાણા પ્રતાપ વિશે પાઠ્ય પુસ્તકમાં ફેરફાર કરશે કોંગ્રેસ સરકાર…

0
2347

નવી દિલ્હીઃ રાજસ્થાનની કોંગ્રેસની સરકાર શાળાના બાળકોના પાઠ્ય ક્રમમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. હકીકતમાં ગત ભાજપ સરકારે પાઠ્યક્રમમાં મહારાણા પ્રતાપને હલ્દી ઘાટીના યુદ્ધ વિજેતા ગણાવ્યાં હતાં. હવે કોંગ્રેસ સરકાર આમાં સંશોધન કરવા જઈ રહી છે. નવા પાઠ્યક્રમમાં મહારાણા પ્રતાપને હલ્દી ઘાટીના વિજેતા નથી બતાવવામાં આવ્યાં. પાઠ્યક્રમમાં આ બદલાવ 12મા ધોરણના સિલેબસમાં કરવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારના શિક્ષણપ્રધાન ગોવિંદ સિંહ દોતાસરાએ જ્યારે આ મામલે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હલ્દીઘાટીના યુદ્ધમાં કોણ વિજેતા રહ્યું, એ ભણવું જરુરી નથી. નવા પાઠ્યક્રમમાં મહારાણા પ્રતાપના સંઘર્ષ વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ શકે.

દોતાસરાએ જણાવ્યું કે નવા પાઠ્યક્રમમાં એ પણ જણાવવાની કોશીષ કરવામાં આવી છે કે હલ્દીઘાટીનું યુદ્ધ હિંદૂ-મુસ્લિમ વચ્ચેનો જંગ નહોતું. પાઠ્યક્રમમાં જણાવવામાં આવ્યું છે કે બંન્ને સેનાઓના સેનાપતિ મુસ્લિમ હતા. રાજસ્થાન સરકારના શિક્ષા પ્રધાને કહ્યું કે તેમની સરકાર મહારાણા પ્રતાપ પર ભાજપ દ્વારા કરવામાં આવેલી રણનીતિથી દૂર રહેવા ઈચ્છે છે. મહારાણા પ્રતાપની જેમ જ રાજસ્થાન સરકાર પાઠ્યક્રમમાં વીર સાવરકર સાથે જોડાયેલી જાણકારીમાં કેટલાક બદલાવ કરવા જઈ રહી છે.

ગત સરકારે પાઠ્યક્રમમાં વીર સાવરકરને આઝાદીની લડાઈના હીરો અને હિંદુત્વવાદી ગણાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે આને બદલવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના શિક્ષણ પ્રધાન ગોવિંદ દોતાસરાએ આરોપ લગાવતા જણાવ્યું કે પૂર્વની ભાજપા સરકારે વીર સાવરકર અને દીનદયાલ ઉપાધ્યાયને મહિમામંડિત કરીને દર્શાવ્યા હતા, જ્યારે તેમને સંઘ વિચારધારાના સમર્થકો તરીકે ઓળખવામાં આવે છે.