રાજસ્થાન: અધિકારીઓને બચાવનાર બીલ સિલેક્ટ કમિટિને મોકલાયું

જયપુર- પ્રધાનો અને સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચારના આરોપથી બચાવવા તેમજ મીડિયાને આ પ્રકારની ખબરોનું રિપોર્ટિંગ કરતાં અટકાવા અંગેના સુધારા બિલને લઈને રાજસ્થાનની વસુંધરા સરકારની નિંદા કરવામાં આવી રહી છે. વિપક્ષ તો આ સુધારા બિલને લઈને પોતાનો વિરોધ કરે તે સ્વભાવિક છે પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના કેટલાંક નેતાઓ પણ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.

વિરોધનું વધતું પ્રમાણ જોતાં રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ સોમવારે એક બેઠક બોલાવી હતી જેમાં સુધારા બિલની સમીક્ષા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બિલને સિલેક્ટ કમિટિ સમક્ષ મોકલવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસ આ બિલને પરત ખેંચવાની માગ કરી રહ્યું છે.

વિવાદિત સુધારા બિલને લઈને રાજસ્થાન વિધાનસભા ગૃહની અંદર અને બહાર મોટાપાયે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. જેને લઈને વસુંધરા સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. વિપક્ષ કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ ભાજપના કેટલાંક નેતાઓ દ્વારા આ સુધારા બિલના વિરોધને કારણે વસુંધરા સરકારને કેબિનેટ બેઠક બોલાવવાની ફરજ પડી હતી, જેમાં વરિષ્ઠ પ્રધાનો દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

વસુંધરા રાજેએ સોમવારે સાંજે બોલાવેલી બેઠકમાં ચાર વરિષ્ઠ પ્રધાનો અને ભાજપના રાજ્ય એકમના વડા અશોક પરનામીને પણ ચર્ચા માટે બોલાવ્યાં હતાં. ભાજપના બે ધારાસભ્યોએ પણ વટહુકમને કાળો કાયદો ગણાવ્યો હતો. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર રાઠોડ, ગુલાબચંદ કટારિયા, અરુણ ચતુર્વેદી અને યુનુસખાન પણ મુખ્યપ્રધાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતાં.