લોકસભામાં સરપ્રાઈઝઃ રાહુલ પીએમ મોદી પાસે જઈને એમને ભેટ્યા

નવી દિલ્હી – કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ વખતે આજે લોકસભામાં યોજવામાં આવેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના સંબોધન વખતે થોડીક અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રાહુલે પહેલા પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારબાદ પોતાના ભાષણના અંતે એ ચાલીને વડા પ્રધાન પાસે ગયા હતા અને એમને ભેટ્યા હતા. એ પછી એમણે પક્ષના એક સાથી તરફ જોઈને આંખ મિંચકારી હતી. આવા દ્રશ્યો અગાઉ ક્યારેય જોવા મળ્યા નહોતા.

રાહુલે એમના ભાષણના અંતમાં કહ્યું હતું કે, હું કોઈને ધિક્કારતો નથી કે મને તમારી ઉપર પણ કોઈ ગુસ્સો નથી. તમે ભલે મને ધિક્કારો, તમારે મન હું ભલે પપ્પુ હોઈશ, પણ મને તો તમારી પ્રત્યે લાગણી છે અને આદર છે, કારણ કે હું કોંગ્રેસી છું.

આટલું બોલીને એ ચાલીને શાસક પક્ષની બેન્ચીસ તરફ ગયા હતા અને પીએમ મોદીને ભેટ્યા હતા. મોદીને પણ એનાથી આશ્ચર્ય થયું હતું.

જોકે મોદીએ રાહુલને પાછા બોલાવ્યા હતા અને એમની સાથે હાથ મિલાવ્યા હતા અને એમની પીઠ થાબડી હતી. ત્યારબાદ બંનેએ કંઈક વાતચીત કરી હતી.

httpss://twitter.com/ANI/status/1020236522736345094

એ પહેલાં, રાહુલે એમના આક્રમક શૈલીવાળા ભાષણમાં પીએમ મોદીએ જનતાને ચૂંટણી વખતે આપેલા વચનો તથા દાવાને જૂમલા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીને 2014ની ચૂંટણીમાં જે વચનોએ જીત અપાવી હતી એ પરિપૂર્ણ થવાની હજી સૌ રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ દેશના મોટા ઉદ્યોગપતિઓ માટે ઘણું બધું કર્યું છે, પણ ગરીબો તથા મધ્યમ વર્ગના લોકો માટે એમના હૃદયમાં કોઈ જગ્યા નથી.

રાહુલે કહ્યું કે, દરેક નાગરિકના બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા થવાની વાત કરી હતી તો એ ક્યાં છે? એ જુમલા નંબર-1 હતો. એમણે કહ્યું હતું કે ભારતમાં યુવાઓ માટે બે કરોડ નોકરીઓનું સર્જન કરવામાં આવશે, તો ક્યાં છે આ નોકરીઓ? આ છે, જુમલા નંબર-2. દેશના યુવાઓએ પીએમ મોદીમાં વિશ્વાસ મૂક્યો હતો. હકીકત એ છે કે માત્ર 4 લાખ યુવાઓને જ નોકરી મળી છે. ક્યારેક તેઓ એમ બોલે છે કે ‘પકોડા બનાવો’ અને પછી કહે છે કે ‘દુકાનો શરૂ કરો’. પણ એમને નોકરી કોણ આપશે?

મોદી સરકાર પર પ્રહારો ચાલુ રાખીને રાહુલે કહ્યું હતું કે નોટબંધીએ સામાન્ય રીતે લોકોને અને ખાસ કરીને વેપારીવર્ગને તકલીફ પહોંચાડી છે. અચાનક મધરાતે નોટબંધી લાગુ કરવાનો સંદેશો એમને કોના તરફથી આવ્યો હતો એની મને કંઈ ખબર નથી. એમણે કરન્સી નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હું સુરત ગયો હતો ત્યારે વેપારીઓએ મને કહ્યું હતું કે એમને કેટલી બધી તકલીફ ભોગવવી પડી રહી છે.

સ્પીકર સુમિત્રા મહાજન નારાજ થયાં

લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી પીએમ મોદીને ભેટ્યા એનાથી ગૃહનાં અધ્યક્ષા, સ્પીકર સુમિત્રા મહાજન નારાજ થયાં છે. એમણે કહ્યું કે, ગૃહમાં આ પ્રકારનું વર્તન સાંખી લેવાય નહીં. વડા પ્રધાન જ્યારે ગૃહમાં બેઠા હોય ત્યારે એ નરેન્દ્ર મોદી નહીં, પણ દેશના વડા પ્રધાન છે. સંસદસભ્ય તરીકે આપણે સભ્યોએ જ સદનની ગરિમા જાળવવાની છે. વળી, રાહુલ ગાંધી પીએમને ભેટ્યા અને પછી સીટ પર જઈને પોતાની પાર્ટીના સભ્ય તરફ જોઈ આંક મિંચકારી, આ ગૃહની ગરિમાને અનુરૂપ નથી. પીએમ પદની એક ગરિમા હોય છે, જેનું પાલન કરવાનું હોય છે.