રાહુલ ગાંધીની જાહેરાતઃ સત્તા પર આવીશું તો મિનિમમ ઈન્કમની ગારન્ટી આપીશું

રાયપુર (છત્તીસગઢ) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વચન આપ્યું છે કે જો એમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં વિજયી થશે તો એમની સરકાર દેશના ગરીબ લોકોને ન્યૂનતમ આવક મળે એની ગારન્ટી આપશે.

રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે… કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર દેશમાં મિનિમમ ઈન્કમ ગારન્ટી સ્કીમ લાગુ કરશે. આનો મતલબ એ કે, દેશમાં દરેક ગરીબ વ્યક્તિને મિનિમમ આવક મળશે. તેથી દેશમાં કોઈ ગરીબ નહીં રહે, કોઈ ભૂખ્યું નહીં રહે.

રાહુલે કહ્યું કે અમે એક એવું પગલું ભર્યું છે જે કોઈ સરકારે આ પહેલાં ભર્યું નથી. અમે નક્કી કર્યું છે કે જો કેન્દ્રમાં અમે સરકાર રચીશું તો મિનિમમ ઈન્કમ ગારન્ટી યોજના અંતર્ગત દરેક ગરીબ વ્યક્તિને ન્યૂનતમ આવક પૂરી પાડીશું. જેમ, કોંગ્રેસ પાર્ટીએ ‘મનરેગા’ યોજનામાં 100 દિવસની રોજગાર ગારન્ટી આપી હતી, સૂચનાના અધિકારમાં ગારન્ટી આપીને અમલદારશાહીના દરવાજા ખોલી નાખ્યા હતા, ભોજનના અધિકારની ગારન્ટી આપી હતી, અને હવે એવી જ રીતે, ન્યૂનતમ આવકની ગારન્ટી આપીશું.

રાહુલે કહ્યું કે ગરીબ વ્યક્તિઓને ન્યૂનતમ આવકની રકમ સીધી એમના બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. દુનિયામાં આ પ્રકારની આ પહેલી જ સ્કીમ હશે. બીજા કોઈ પણ દેશે આવી યોજના હજી સુધી અમલમાં મૂકી નથી.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એવો આરોપ મૂક્યો હતો કે એ બે ભારતનું નિર્માણ કરી રહ્યા છે. એક અમીરોનું અને એક ગરીબોનું. અમીરોનાં ભારતમાં રફાલ કૌભાંડ, અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી હશે જ્યારે બીજા ભારતમાં ગરીબ ખેડૂતો.

રાહુલે વધુમાં કહ્યું કે અમારી એવા બે ભારત નહીં બનાવે. અમે તો એક જ ભારત ઈચ્છીએ છીએ.