રાહુલ ગાંધીનો હૂમલોઃ PM મોદી જ ભ્રષ્ટાચારી અને અમિત શાહ હત્યાના આરોપી

નવી દિલ્હી– કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર પડી ગયા પછી પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હૂમલો કર્યો હતો. રાહુલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દેશના લોકો તેમ જ કાયદાકીય સંસ્થાઓની ઉપર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તણૂંક લોકશાહીને છાજે તેવી નથી,  તેઓ તાનાશાહી ચલાવે છે.રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં તાકાત કંઈ જ નથી. લોકોની ઈચ્છાશક્તિ જ બધું છે, અમે જનતાને બતાવ્યું છે, અને ભાજપના અહંકારની સીમા પણ ગણાવી છે. આ દેશને કેવી રીતે ચલાવવો જોઈએ તેવી પણ એક સીમા છે. રાહુલે વધુમાં ઉમેર્યું હતું  વડાપ્રધાનનું મોડલ લોકતાંત્રિક નહી તાનાશાહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની જનતા ટેલિવિઝન પર જોઈ રહી હતી કર્ણાટક વિધાનસભામાં રાષ્ટ્રગાન વાગે તે પહેલાં જ ભાજપના ધારાસભ્યો ઉઠીને ચાલવા લાગ્યાં હતાં, આ તેમનો સ્વભાવ છે કે તેઓ કોઈની ઈજ્જત કરતાં નથી. મને ગર્વ છે કે કર્ણાટકની જનતાએ વડાપ્રધાન, ભાજપના પ્રમુખ અને હત્યાના આરોપી અમિત શાહને બતાવી દીધું છે કે લોકતંત્રને ખરીદી શકાતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં તાકાત અન પૈસા બધું જ નથી. મને આશા છે કે ભાજપ અને આરએસએસ કર્ણાટકે પાઠ ભણાવ્યો છે, તેમાંથી શીખ લેશે. મીડિયાની સામે ખુલ્લેઆમ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી હતી. વડાપ્રધાને જ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખરીદવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાન કહે છે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છે, પણ અસલમાં તેઓ જ ભષ્ટ્રાચાર કરે છે.હવે રાજ્યપાલ રાજીનામું આપે છે કે નહીં… તે અલગ વાત છે. પણ દેશમાં બંધારણના મંદિર પર વારંવાર હૂમલા થઈ રહ્યા છે.