દલિતો પર અત્યાચારના મામલે રાહુલ ગાંધી રાજઘાટ ખાતે ઉપવાસ પર બેસશે

નવી દિલ્હી – દેશમાં દલિત લોકો પર થતા કથિત અત્યાચારોના મામલે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ ખાતે ઉપવાસ આંદોલન પર બેસશે.

દેશભરમાં કોમી એખલાસ જળવાઈ રહે એ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવતીકાલે સમગ્ર દેશમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધરણા, ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરાશે.

રાહુલ ગાંધી રાજઘાટ ખાતે સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ઉપવાસ પર બેસશે.

એ જ સમયે દેશભરમાં જિલ્લા તથા પ્રદેશ મુખ્યાલયોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપવાસ પર બેસશે.

રાહુલ ગાંધી દલિતો પર થતા અત્યાચારના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સતત ટીકા કરતા રહ્યા છે અને એવો આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર દલિતવિરોધી છે. દલિતો સાથે જે કંઈ થઈ રહ્યું છે એ વિશે પીએમ મોદી મૌન ધારણ કરીને બેઠા છે.