મોદીના રસ્તે રાહુલ? 2 સીટો પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ 2 સીટો પરથી લોકસભા ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. રાહુલ ગાંધી આ વખતે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની પણ કોઈ એક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ માગ કરી રહ્યાં છે કે, રાહુલએ બે સીટો પરથી ઉમેદવારી કરવી જોઈએ. દક્ષિણ ભારતથી ચૂંટણી લડવાની ચર્ચા પહેલા એવી પણ અટકળો હતી કે, મહારાષ્ટ્રની નાંદેડ સીટ અથવા તો મધ્યપ્રદેશની કોઈ સુરક્ષિત સીટ પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની એવી યોજના છે કે, જો રાહુલ ગાંધી કોઈ પણ 2 સીટો પરથી ચૂંટણી લડે તો તેમની આસપાસની સીટો પર પણ માહોલ બનશે અને કોંગ્રેસનું પ્રભુત્વ વધશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જો રાહુલ તેમની ઉમેદવારી નોંધાવે તો હિંદી પટ્ટીના રાજ્યોમાં નબળી દેખાય રહેલી કોંગ્રેસ એક રીતે મજબૂત સ્થિતિમાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ વારણસી અને વડોદરાની સીટ પર ચૂંટણી લડી હતી. રાહુલ ગાંધીએ માર્ચ 2004માં રાજનીતિમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તે સતત ત્રણ વખત ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતાં.

વર્ષ 2014ની લોકસભા ચૂંટમીમાં મોદી લહેર દરમિયાન બીજેપીએ અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ઉતારીને હરિફાઈ દિલચસ્પ બનાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતેની ચૂંટણીમાં પણ સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીમાં છે, અને તે સતત અહીંની મુલાકાત કરી રહી છે.