આશ્રમમાં હત્યાના મામલામાં સંત રામપાલને આજીવન કેદની સજા

નવી દિલ્હી- સતલોક આશ્રમ હત્યા મામલામાં સંત રામપાલને હરિયાણાની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. એનો અર્થ એ થયો કે, હવે સંત રામપાલને જીવશે ત્યાં સુધી જેલમાં જ રહેવુ પડશે.રામપાલને એક મહિલા અને ચાર બાળકોની હત્યા માટે દોષી ગણાવાયા છે. ઉલ્લેખનીય છે કે, રામપાલને કોર્ટે આજીવન કેદની સાથે એક લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

11 ઓક્ટોબરે જ કોર્ટે રામપાલને દોષી ગણાવીને 16 ઓક્ટોબરે સજા સંભાળવવાનુ એલાન કર્યુ હતુ.  આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી હતી.

જે મામલામાં રામપાલને દોષી ઠેરવાયો છે તેમાં એક મામલો મહિલા ભક્તના શંકાસ્પદ મોતનો છે. જેનો મૃતદેહ રામપાલના આશ્રમમાંથી 18 નવેમ્બર, 2014ના રોજ મળી આવ્યો હતો. જ્યારે બીજા મામલામાં રામપાલના ભક્તો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. 10 દિવસ સુધી થયેલી હિંસામાં 4 મહિલાઓ અને એક બાળકનું  મોત થયુ હતું. આ માટે પણ રામપાલને જ અદાલતે દોષી માન્યો છે.

કોર્ટે ચુકાદો આપ્યો તે પહેલા હિસાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતુ. હિસારમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી અને જેલની ચારે તરફ ચાર કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી હતી. રામપાલના સમર્થકો શહેરમાં પ્રવેશી શકે નહીં તે માટે હિસારની બોર્ડર 48 કલાક પહેલા જ સીલ કરી દેવામાં આવી હતી.