સેનાએ ક્શમીર એન્કાઉન્ટરની વિગતો આપી, સાથે આ ચેતવણી પણ ખરી…

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ સેના દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરને લઈને આજે સુરક્ષાદળો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ચિનાર કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ કેજીએસ ઢિલન્ને જાણકારી આપી કે સુરક્ષાદળોએ 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને ઠાર કરી દીધો છે. તેમણે અહીંયાથી ઘાટીના પથ્થરબાજોને પણ ચેતવણી આપી છે.

પ્રેસ કોન્ફરન્સમાં ચિનાર કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ કેજીએસ ઢિલન્નએ કહ્યું કે અમે લોકો છેલ્લા ઘણા સમયથી જૈશ એ મહોમ્મદના આતંકીઓ પર નજર રાખી રહ્યા હતા. જૈશના આંતકીઓએ જ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. અમે પુલવામા હુમલાના 100 કલાકની અંદર ઘાટીમાં ઉપસ્થિત જૈશની લીડરશિપને ખતમ કરી દીધી છે.

પ્રેસ કોન્ફરન્સમાં CRPF, જમ્મૂ-કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારી જોડાયા હતા. આમાં ચિનાર કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ કેજી ઢિલન્ન, શ્રીનગરના આઈજી એસપી પાણી, સીઆરપીએફના આઈજી જુલ્ફિકાર હસન અને જીઓસી વિક્ટર ફોર્સના મેજર મેથ્યુ જોડાયા હતા.

તેમણે જમ્મુ-કાશ્મીરની મહિલાઓને અપીલ કરતા કહ્યું કે તે પોતાના બાળકોને સમજાવે અને તેમને સરેન્ડર કરવા માટે કહે. તેમણે કહ્યું કે સેના પાસે સરેન્ડર પોલીસી છે. હવે જે સેના વિરુદ્ધ બંદૂક ઉઠાવશે તેનું મોત થશે. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈપણ નાગરિક ઘાયલ થાય. સેનાના ઓફિસરોએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા પાછળ ISI નો હાથ હતો તેમની મદદથી જૈશે હુમલો કર્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ કેજીએસ ઢિલન્ને જમ્મૂ-કાશ્મીરના પથ્થરબાજોને કહ્યું કે કોઈપણ નાગરિક એન્કાઉન્ટરની જગ્યા પર ના આવે અને ના તો એન્કાઉન્ટર દરમિયાન અને ન તો બાદમાં. તેમણે ચેતવણી આપી કે જો એવું થાય તો તેમણે પણ એક્શન લેવાનું રહેશે.

તેમણે કહ્યું કે જૈશ એ મહોમ્મદ પાકિસ્તાનનો બાળક છે અહીંયા કેટલાય ગાઝી આવ્યા અને કેટલાય ચાલ્યા ગયા. પાકિસ્તાની સેના અન ISI જૈશ-એ-મહોમ્મદને કંટ્રોલ કરી રહી છે. પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ કામરાન જ હતો જેને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે આતંકીઓને ખુલ્લી ચેતવણી આપી અને કહ્યું કે જે પણ આતંકી જમ્મૂ-કાશ્મીરમાં ઘુસશે તે જીવતો નહી રહે. પ્રેસ કોન્ફરન્સમાં કાશ્મીર IG એસપી પાણીએ કહ્યું કે ગત વર્ષે અમે જૈશના 58 આતંકીઓને માર્યા હતા. આ વર્ષે પણ 12 જૈશ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં જૈશ એ મહોમ્મદના આતંકીએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનો શહિદ થયા હતા. ત્યારબાદથી આખો દેશ આક્રોશમાં છે.

પુલવામા હુમલા બાદ ત્યાં એક ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું. જેમાં પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન ઉર્ફ ગાઝી રાશિદને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે સેનાના પાંચ જવાનો શહિદ થયા હતા.