પીએમ મોદીએ કર્યું ટ્વીટ, વીડિયો દ્વારા રજૂ કર્યો 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ

નવી દિલ્હી- નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં આજના દિવસે દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આજે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવા નિમિત્તે પીએમ મોદીએ એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા હતાં. આ ટ્વીટમાં પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકારની ચાર વર્ષની યોજનાથી દેશની જનતાને માહિતગાર કર્યા છે. આ વીડિયોને ‘સાફ નિયત- સાચો વિકાસ’ શિર્ષક આપવામાં આવ્યું છે.પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, ‘વર્ષ 2014માં આજના દિવસે અમે દેશમાં બદલાવની શરુઆત કરી હતી. ગત ચાર વર્ષોમાં વિકાસે જન આંદોલનનું સ્વરુપ ધારણ કર્યું છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યો છે. દેશની સવાસો કરોડની જનતા દેશને નવી ઉંચાઈ પર લઈ જઈ રહી છે’.

પીએમ મોદી આજે ઓડિશાના કટકની મુલાકાતે છે. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવાના અવસરે પીએમ મોદી જનતા સમક્ષ કેન્દ્ર સરકારનું રિપોર્ટ કાર્ટ રજૂ કરશે. પીએમ મોદી કટકમાં જનસભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીની જનસભા અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જનસભામાં ત્રણ લાખથી વધુ લોકો આવશે.

વડાપ્રધાન મોદી કટકમાં ‘સાફ નિયત- સાચો વિકાસ’ ઝુંબેશની શરુઆત કરાવશે. આ ઝુંબેશ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ જનતા સુધી પહોંચાડશે. આ ઝુંબેશને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરુપે પણ જોવામાં આવી રહ્યો છે.