જી-7 સમિટમાં પીએમ મોદીને કેમ અપાયું આમંત્રણ, કારણ મળી ગયું…

0
1198

નવી દિલ્હી– ફ્રાંસમાં મળનારી જી 7 સમિટમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી આપતાં યુરોપ અને ફ્રાંસના વિદેશ બાબતોના રાજ્યપ્રધાન જીન બેપ્ટિસ્ટ લેમોયને કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે વ્યક્તિગત રીતે એક મજબૂત સંબંધ છે અને આજ કારણ છે કે, રાષ્ટ્રપતિ મેક્રોને ઓગસ્ટ 2019ના અંતમાં યોજાનાર જી 7 સમિટમાં સામેલ થવા માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. જીન બેપ્ટિસ્ટ લેમોયને કહ્યું કે, જી 7 બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીતથી આંતરિક સંબંધો વધુ મજબૂત થશે.

લેમોયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓગસ્ટમાં થનારી ફ્રાંસ યાત્રાને મામલે સોમવારે ભારતના પ્રવાસે પહોંચ્યાં છે. કેન્દ્રમાં નવી સરકારની રચના પછી ફ્રાંસના કોઈ પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે. ભારત પહોંચેલા લેમોયને કહ્યું કે, આતંકવાદની લડાઈમાં ફ્રાંસ હંમેશા ભારતની સાથે છે. જેશ એ મોહમ્મદના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે લેમોયને કહ્યું કે, તેમનો દેશ શરુઆતથી આતંકવાદ સામે લડતો આવ્યો છે અને હવે આ લડાઈમાં સાયબર પડકારો પણ જોડાઈ ગયાં છે.

ફ્રાંસના વાણિજ્યભવને એક અધિકારિક નિવેદનમાં કહ્યું કે, લેમોયનેની યાત્રા ભારત ફ્રાંસ સંબંધોમાં મજબૂતીનો સ્વીકાર કરશે અને રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોના નિમંત્રણ પર ઓગસ્ટમાં આયોજિત થનારા જી 7 શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાનની ફ્રાંસ યાત્રા માટે ગ્રાઉન્ડવર્કની દેખરેખ રાખશે. તેમના ભારત પ્રવાસ દરમિયાન લેમોયને વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરન અને વાણિજ્ય ઉદ્યોગપ્રધાન હરદીપસિંહ પુરી સાથે મુલાકાત કરશે.