VHPમાંથી થશે તોગડિયા અને રાઘવ રેડ્ડીની બાદબાકી, RSSનો વ્યક્તિ બનશે નવો અધ્યક્ષ

નવી દિલ્હી- પીએમ નરેન્દ્ર મોદી સાથે વિવાદને લઈને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની VHPમાંથી વિદાઈ નક્કી માનવામાં આવી રહી છે. આગામી 14 એપ્રિલના રોજ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા અને વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને VHP સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠકમાં તેમના પદથી હટાવવામાં આવશે તેમ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ RSSના નેતૃત્વમાં વિશ્વ હિન્દૂ પરિષદને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જો જરુર જણાશે તો સંગઠનના સંવિધાન અનુસાર અધ્યક્ષ માટે ચૂંટણી પણ કરાવવામાં આવશે. વિશ્વ હિન્દૂ પરિષદની કાર્યકારી બોર્ડની બેઠકમાં RSSના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) નથી ઈચ્છતું કે, પ્રવિણ તોગડિયા VHPના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી VHPમાં અધ્યક્ષ તરીકે જવાબદારી ચાલુ રાખે. સૂત્રોનું માનીએ તો, 14 એપ્રિલે ગુરુગ્રામમાં યોજાનારી RSSની કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘની પસંદ વી. કોકજે પર ઉતરી શકે છે. તેમને VHPના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.