જાણો એન્ટિગુઆની નાગરિકતા મેળવવા પાછળ મેહુલ ચોક્સીની ‘માઈન્ડ ગેમ’

નવી દિલ્હી- PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરી છે. મેહુલ ચોક્સીએ જણાવ્યું કે, હવે તે એન્ટિગુઆમાં જ રહેશે. કારણકે તેને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવો છે. જોકે મેહુલ ચોક્સીએ સ્થાયી થવા માટે એન્ટીગુઆ જેવા અજાણ્યા દેશને પસંદ કર્યો તેની પાછળ મોટી ‘માઈન્ડ ગેમ’ છે. એન્ટિગુઆની નાગરિકતા મેળવ્યા બાદ મેહુલ ચોક્સીને લગભગ 130 દેશોમાં આવાગમન માટે મફત વિઝા મળી જશે.ખુદ મેહુલ ચોક્સીએ આ વાતનો સ્વીકાર કરતાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘હું મારા વ્યવસાયનો વિસ્તાર કરવા માગુ છું અને 130 દેશોની મુસાફરી માટે મફત વિઝા મેળવવા ઈચ્છુક છું’. મહત્વનું છે કે, વિવિધ દેશો સાથે કરવામાં આવેલા કરારને કારણે એન્ટિગુઆના નાગરિકોને આ સુવિધા આપવામાં આવી છે. હવે જ્યારે મેહુલ ચોક્સી એન્ટિગુઆનો નાગરિક છે, તો તેને પણ આ સુવિધા મળી જશે.

મેહુલ ચોક્સીએ કહ્યું કે, તેના ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. જોકે તે ભારત છોડીને કેમ ભાગ્યો તે અંગે મેહુલ ચોક્સીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ એન્ટિગુઆ સરકારે જણાવ્યું છે કે, જો ભારત સરકાર તરફથી સંકેત મળશે તો મેહુલ ચોક્સી સામે એક્શન લેવામાં આવી શકે છે.