ગોપનીયતા સાથે વિદેશ જવા માગે છે રોબર્ટ વાડ્રા, CBI કોર્ટ પાસે માગી મંજૂરી

નવી દિલ્હી- કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સીબીઆઈ કોર્ટ પાસે વિદેશ જવા માટે મંજૂરી માગી છે. વાડ્રાના વકીલે કહ્યું કે, તેમને વિદેશ જવાની મંજૂરી આપવાની સાથે તેમની ગોપનીયતા જાળવી રાખવામાં આવે, કારણ કેસ આ તેમની સુરક્ષાનો મામલો છે. આ મામલે આગામી સુનાવણી 24 મે ના રોજ હાથ ધરાશે.

કોર્ટેમાં રોબર્ટ વાડ્રાના વકીલે વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારને અનુરોધ કર્યો છે કે, તે સ્પષ્ટતા કરે કે, વાડ્રાની વિદેશ યાત્રાની માહિતી કોઈ સાથે શેર કરવામાં નહીં આવે. હક્કીકતમાં મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને દિલ્હીની એક કોર્ટે શરતી જામીન આપ્યાં છે. આ શરતી જામીનમાં વાડ્રાની વિદેશ યાત્રા પર પ્રતિબંધ છે. વાડ્રાનો પાસપોર્ટ કોર્ટે જમા કરી લીધો છે. છેલ્લા થોડા મહિનાઓમાં મની લોન્ડ્રિંગ કેસ મામલે ઈડીએ વાડ્રાની અનેક વખત પૂછપરછ કરી છે.

શું છે મની લોન્ડ્રિંગ કેસ:

રોબર્ટ વાડ્રા પર બ્રિટનમાં લંડનના બ્રિન્સ્ટન સ્કેવેરમાં 9 સંપત્તિ હોવાનો આરોપ છે. કથિત રીતે વાડ્રાએ આ સંપત્તિ ભાગેડુ હથિયાર કારોબારી સંજય ભંડારી પાસેથી મની લોન્ડરિંગ મારફતે પ્રાપ્ત કરી છે. આ મામલે ઈડી તેમની વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ ઉપરાંત રાજસ્થાનના બિકાનેર અને હરિયાણાના ગુડગાંવ તેમજ ફરીદાબાદમાં પણ કેટલીક સંપત્તિઓના ખરીદ વેચાણને લઈને વાડ્રા શંકાના ઘેરામાં છે.