પીએમ મોદીએ સરપંચોને વ્યક્તિગત રીતે પત્ર લખ્યોઃ વરસાદનાં પાણીનો સંચય કરવાની વિનંતી કરી

0
1900

નવી દિલ્હી – દેશના ગ્રામિણ વિસ્તારોમાં પાણીની તંગીની સમસ્યાથી ચિંતિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ગ્રામ પ્રધાનો (સરપંચ)ને વ્યક્તિગત રીતે પત્ર લખ્યો છે અને આગામી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદનાં પાણીનો બચાવ-સંગ્રહ કરવાની એમને વિનંતી કરી છે.

વડા પ્રધાનની સહીવાળા આ પત્રો દેશના તમામ ગ્રામ પ્રધાનોને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરો દ્વારા હાથોહાથ આપવામાં આવ્યા છે.

અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વડા પ્રધાન મોદીનો આ પત્ર ગામવાસીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

દાખલા તરીકે, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી નજીક આવેલા સોનભદ્રામાં વડા પ્રધાનનો પત્ર 637 ગ્રામ પ્રધાનોને ડિલીવર કરવામાં આવ્યો છે. એમાં તેમને મોદીએ વિનંતી કરી છે કે આ વખતની ચોમાસાની મોસમમાં વરસાદનું પાણી સંગ્રહ કરવાની પ્રક્રિયા શરૂ કરવા ગામવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે તમારે અંગત પ્રયાસો આદરવા જોઈએ.

વડા પ્રધાને આ પત્ર હિન્દીમાં લખ્યો છે અને એમાં લખ્યું છેઃ પ્રિય સરપંચજી, નમસ્કાર. મને આશા છે કે તમે અને પંચાયતમાં મારા તમામ ભાઈઓ અને બહેનો કુશળ હશે. વરસાદની મોસમ શરૂ થઈ રહી છે. આપણે ઈશ્વરના આભારી છીએ કે એ આપણને વરસાદનું પાણી પર્યાપ્ત રીતે આપે છે. આપણે આ આશીર્વાદ (પાણી)ને સાચવવા માટે તમામ પ્રયાસો અને વ્યવસ્થા કરવા જોઈએ.

એક પાનાનાં પત્રમાં વડા પ્રધાને સરપંચોને ખાસ વિનંતી કરી છે કે એમણે ગ્રામસભા બોલાવવી જોઈએ અને એમાં આ સંદેશો વાંચી સંભળાવવો જોઈએ. વરસાદનાં પાણીનો સંચય કેવી રીતે કરવો જોઈએ એ વિશે ગામમાં ચર્ચાનું આયોજન થવું જોઈએ. મને આપ સહુમાં વિશ્વાસ છે કે તમે વરસાદનાં પાણીનો દરેક ટીપું બચાવવા માટે પૂરતી વ્યવસ્થા કરશો.

વડા પ્રધાને નીતિ આયોગની બેઠકમાં પણ વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાના છે, કારણ કે દેશના ઘણા ખરા ભાગમાં ગ્રામિણ વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાઈ છે.

વડા પ્રધાન મોદીએ આ માટે જલ શક્તિ નામે એક અલગ મંત્રાલયની પણ રચના કરી છે.