નહીં છુપાઈ શકે પુલવામાના ગુનેગાર, સજા તો મળશે જઃ વડાપ્રધાન

નાગપુરઃ પુલવામા એટેક બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન વચ્ચે વડાપ્રધાન મોદીએ યવતમાલની રેલીમાં સ્પષ્ટપણે જણાવ્યું કે પુલવામામાં જે લોકોએ આ ગુનો કર્યો છે તે ભલે ગમે તેટલા છુપાયેલાં રહેવાના પ્રયત્નો કરે પરંતુ તેમને સજા જરુર આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીનું આ નિવેદન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જમીન પરથી નાપાક કૃત્ય કરનારા જૈશના મસૂદ અઝહર વિરુદ્ધ ઓસામા બિન લાદેન જેવી કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ એકવાર ફરીથી દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

વડાપ્રધાને આતંકને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપ્યાંની પણ વાત કહી. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ધૈર્ય રાખવાની અપીલ કરતાં કહ્યું કે જવાનો પર ભરોસો રાખે, ગુનેગારોને સજા જરુર મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું જાણું છું કે આપણે તમામ લોકો અત્યારે કઈ ગહન વેદનામાંથી પસાર થઈ રહ્યા છીએ. પુલવામામાં જે થયું તેને લઈને તમારા આક્રોશને પણ હું સમજી રહ્યો છું. જે પરિવારોએ પોતાના લાલને ખોયાં છે તેમની પીડાનો અનુભવ હું કરી શકું છું. આ શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. આતંકી સંગઠનોએ આતંકના આકાઓએ જે ગુનો કર્યો છે તે ગમે તેટલા છુપાય પરંતુ તેમને સજા જરુર આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ એ પણ કહ્યું કે સૈનિકોમાં અને ખાસ કરીને CRPFમાં ગુસ્સો છે, તે પણ દેશ સમજી રહ્યો છે. એટલા માટે સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.