જે રાક્ષસી કૃત્ય કરશે તેને ફાંસી પર લટકાવવામાં આવશેઃ વડાપ્રધાન મોદી

0
1290

મધ્યપ્રદેશઃ વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ત્રણ દિવસીય આદિવાસી ઉત્સવની પણ શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ અહીં ઘણી ગ્રામ પંચાયતોના સરપંચોને સન્માનિત પણ કર્યા. પીએમે તેમના પ્રવચનમાં પોસ્કો એક્ટના બદલાવની વાત કરતાં જણાવ્યું કે જે રાક્ષસી કૃત્ય કરશે તેમને ફાંસી પર લટકાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યની શરૂઆત આદિવાસી ભાષાથી કરી અને જણાવ્યું કે આદિવાસી ભાઈઓએ હંમેશા દેશ માટે કામ કર્યું છે પછી તે અંગ્રેજો વિરૂદ્ધની લડાઈ હોય કે પછી દેશનો વિકાસ હોય.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં થોડા સમય પહેલા જ POCSO એક્ટમાં કરવામાં આવેલા બદલાવ વિશે પણ જણાવ્યું. વડાપ્રધાને સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ રાક્ષસી કામ કરશે તેને ફાંસી પર લટકાવવામાં આવશે. કેન્દ્રની સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તેના હિસાબથી નિર્ણયો પણ લઈ રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે આપણે આપણા દિકરાઓને સમાજની દિકરીઓની ઈજ્જત કરતા શીખવાડવું પડશે અને આના માટે પરિવારોએ ઘરની અંદર જ બદલાવ લાવીને શરૂઆત કરવી પડશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતની ઓળખ તેના ગામડાઓ થકી જ છે, મહાત્મા ગાંધીએ પણ આ વાત કહી હતી. વડાપ્રધાને જણાવ્યું કે અમારી સરકાર તમામ લોકોને સાથે રાખીને બાપૂના સ્વપ્નોને પૂરા કરશે. વડાપ્રધાને જણાવ્યું કે ગામડાના લોકોના અને અમારા સ્વપ્ન જોડાશે ત્યારે જ દેશ આગળ વધશે. આપણે તમામ લોકોએ કૈંક એવું કરવું જોઈએ કે જેનાથી આવનારી પેઢીની જિંદગીમાં બદલાવ આવી શકે. વડાપ્રધાને લોકોને હાંકલ કરી કે તમામ વ્યક્તિએ પોતાના બાળકોને ભણાવવા જોઈએ, કારણ કે સરકાર તો શાળા-પૈસા-ટીચર અને બેગ આપી શકે પરંતુ પ્રોત્સાહન તો તમારે જ તમારા બાળકોને આપવું પડશે.