નમો એપ’ નક્કી કરશે 2019માં MP-MLAનું ભવિષ્ય, પીએમે માગ્યો જનતાનો અભિપ્રાય

નવી દિલ્હી- પોતાના સાંસદો અને ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા પીએમ મોદી જાતે કરશે અને તેનો અભિપ્રાય સીધો જનતા પાસેથી મેળવશે. જનતાના અભિપ્રાયના આધારે જ સાંસદો અને ધારાસભ્યોનું ભાવિષ્ય નક્કી કરવામાં આવશે. આ કાર્ય પીએમ મોદી ‘નમો એપ્લિકેશન’ દ્વારા કરશે. એટલે કે, પીએમ મોદી જાતે સાંસદો, ધારાસભ્યો અને સરકારના કામકાજનો અભિપ્રાય જનતા પાસેથી લઈ રહ્યા છે.‘નમો એપ્લિકેશન’ દ્વારા પીએમ મોદી વિધાનસભા મતક્ષેત્ર મુજબ લોકોનો અભિપ્રાય મેળવી રહ્યા છે. હવે પોતાના સાંસદો અને ધારાસભ્યો અંગે જનતા સીધા પીએમને અભિપ્રાય આપી શકશે. આ ઉપરાંત પીએમ મોદીએ રાજ્ય અને લોકસભા-વિધાનસભામાં સૌથી વધુ લોકપ્રિય નેતા અંગે પણ માહિતી માગી છે.

એવું માનવામાં આવે છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ વિતરણમાં પીએમ મોદીના આ સર્વેની મોટી ભૂમિકા હશે. આ ઉપરાંત પીએમ મોદી વિવિધ સરકારી યોજનાઓ અને કાર્ય પધ્ધતિ અંગે પણ જાહેર જનતા પાસેથી સીધો અભિપ્રાય મેળવી રહ્યા છે. આ અગાઉ 26 મેના રોજ સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ સરકારની કામગીરી અંગે અને રેટિંગ્સ અંગે જનતાનો સીધો અભિપ્રાય મેળવ્યો હતો.

નમો એપમાં જનતાને પૂછાયેલાં સવાલ

  • તમે તમારા સાંસદો અને ધારાસભ્યોના કામકાજથી કેટલા ખુશ છો?
  • તમારા રાજ્ય અને ક્ષેત્રમાં ભાજપના સૌથી લોકપ્રિય ત્રણ નેતાઓ કોણ છે?
  • કેન્દ્ર સરકાર અને દેશના જે રાજ્યોમાં ભાજપની સરકાર છે તેની એવી કઈ ત્રણ પોલિસી છે જે તમારા ક્ષેત્રમાં સૌથી વધુ ચાલી હોય.
  • શું જનતાને અવું લાગે છે કે, સરકારના કામકાજમાં ઝડપ આવી છે?

2019ની સામાન્ય ચૂંટણી પહેલા પીએમ મોદીએ જે રીતે જનતા પાસેથી તેમના ધારાસભ્યો અને સાંસદોનું રિપોર્ટ કાર્ડ માગ્યુ છે. તે જોતાં સ્પષ્ટ થાય છે કે, જનતાની કસોટી પર જે ખરો ઉતરશે તેને જ 2019માં તક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પીએમ મોદી તેમના સાંસદોને જનતા વચ્ચે જવાનું જણાવતા રહ્યા છે.