ઈઝરાયલ બાદ હવે પેલેસ્ટાઈન, PM મોદીની કૂટનીતિનો અદભૂત સંયોગ

0
2768

પેલેસ્ટાઈન- પીએમ મોદી હાલમાં પશ્ચિમ એશિયાના દેશોના પ્રવાસે છે. જોર્ડન બાદ પીએમ મોદી પેલેસ્ટાઈન ગયા હતા. પીએમ મોદી ભારતના એવા પ્રથમ વડાપ્રધાન છે જેઓ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને દેશોની રાજકીય મુલાકાત લઈ ચુક્યા છે. ભારતનો સમાવેશ એવા દેશોમાં થાય છે જેણે પેલેસ્ટાઈનની આઝાદી અને સંપ્રભુતાને માન્યતા આપી છે. પરંતુ હજી સુધી ભારતના કોઈ પીએમ પેલેસ્ટાઈનના પ્રવાસે ગયા ન હતા. વર્ષ 1960માં તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુ ગાઝાની મુલાકાતે ગયા હતા પરંતુ એ સમયે સ્વતંત્ર પેલેસ્ટાઈનનું અસ્તિત્વ ન હતું.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન જનારા મોદી પ્રથમ પીએમ

એ અજબ સંયોગ છે કે, પેલેસ્ટાઈન સાથે ભારતના સંબંધો ઘણા ઉષ્માપૂર્ણ રહ્યાં છે તેમ છતાં ભારતના કોઈ વડાપ્રધાને હજી સુધી પેલેસ્ટાઈન જવાની તકલીફ લીધી ન હતી. જેવી રીતે ઈઝરાયલ આઝાદ થયું તેને 70 વર્ષ થયા છતાં ભારતના કોઈ વડાપ્રધાન ઈઝરાયલ પણ ગયા ન હતા. અને પીએમ મોદી ગત વર્ષે ઈઝરાયલના પ્રવાસે ગયા હતાં જ્યાં તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પીએમ મોદીના પ્રવાસના 6 મહિનાની અંદર ઈઝરાયલના પીએમ પણ ભારત પ્રવાસે આવ્યા હતા.

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે લોહીયાળ સંઘર્ષ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વિશ્વના ઈતિહાસમાં એવા બે પાડોશી દેશ છે જેની સરહદો નાગરિકોના લોહીથી ખરડાયેલી છે. બન્ને દેશો એકબીજાના કટ્ટર દુશ્મન છે. ગાઝા પટ્ટીને લઈને બન્ને દેશો વચ્ચે હંમેશા વિવાદ રહ્યો છે. જોકે હવે પીએમ મોદીના રુપમાં પેલેસ્ટાઈનને શાંતિદૂત અને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહબૂબ અબ્બાસે પીએમ મોદીની યાત્રા પહેલા જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીની ઐતિહાસિક યાત્રાથી અમે ઘણા આનંદનો અનુભવ કરી રહ્યાં છીએ. પીએમ મોદીની પેલેસ્ટાઈન યાત્રા બન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય પુરવાર થશે’. ઉપરાંત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે શાંતિપ્રક્રિયા અને દ્વિપક્ષીય સંબંધો માટે અમે પીએમ મોદી સાથે ચર્ચા કરીશું.

જેથી કહી શકાય કે, પીએમ મોદીની પેલેસ્ટાઈન યાત્રા એ રાજકીય યાત્રા કરતાં માનવતાના અભિગમને વધુ ઉજાગર કરે છે. પીએમ મોદી તેમના પ્રવાસમાં UAE અને ઓમાનની પણ મુલાકાત લેશે, જેથી ગલ્ફ દેશોમાં ભારતની પકડ મજબૂત કરવા અને પાકિસ્તાનને કૂટનીતિક રીતે એકલું પાડવામાં પીએમ મોદીની આ મુલાકાત પાયાનો પથ્થર સાબિત થઈ શકે છે.