પાકિસ્તાનને પાછળ રાખી મુસ્લિમ રાષ્ટ્રોના પ્રિય કેવી રીતે બન્યાં PM મોદી?

નવી દિલ્હી- મધ્ય-પૂર્વ દેશો પ્રતિ ભારતની ઉદાસીન વિદેશ નીતિમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું પરિવર્તન થયું છે. સાઉદી અરબ, યુએઈ, ઈઝરાયલ સહિત તમામ દેશો સાથે ભારતના સંબંધો ગાઢ બની રહ્યાં છે. આ દેશો સાથે સારા સંબંધો માટે વડાપ્રધાન મોદીએ ઈરાનને પણ અવગણીને લાંબા સમયથી ચાલી રહેલી શીતકાલીન નીતિને તોડી છે.

ફોરેન પોલિસીના રિપોર્ટ મુજબ 2014માં લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવ્યા બાદ પીએમ મોદીએ વિદેશ નીતિને પ્રાથમિકતા આપી હતી. પીએમ મોદીએ 2014 બાદ 8 મધ્ય-પૂર્વ દેશોના પ્રવાસ કર્યા છે. આ સંખ્યા તેની અગાઉના 4 વડાપ્રધાનોના કુલ પ્રવાસો કરતા પણ વધુ છે.

પીએમ મોદીને 5 વર્ષના કાર્યકાળમાં કુલ 6 વૈશ્વિક એવોર્ડ મળ્યા જેમાંથી 4 મુસ્લિમ દેશો દ્વારા આપવામાં આવ્યાં છે. 4 એપ્રિલ 2019ના રોજ યુએઈએ તેમના સર્વોચ્ચ સન્માન જાયેદ મેડલથી પીએમ મોદીને સન્માનિત કર્યા છે. આ સન્માન તેને બંન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યું. હાલમાં જ OIC(ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન) માં ભારતને 50 વર્ષમાં પહેલી વખથ ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વિરોધ છતાં મુસ્લિમ મંચ પર ભારતની હાજરી એ ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત હતી.

જ્યારે પણ મધ્ય-પૂર્વ દેશોની વાત આવે ત્યારે, સૌથી પહેલા ઓઈલનો ઉલ્લેખ ચોક્કસ પણે થાય છે. 2024 સુધીમાં ઓઈલના વપરાશ મામલે ભારત ચીન કરતા પણ આગળ નીકળી જશે. એ જોતા આ દેશો સાથે સંબંધો મજબૂત કરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ જાય છે.

ફેબ્રુઆરી 2019માં સાઉદી અરબ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને નવી દિલ્હીની મુલાકાત લીધી અને કહ્યું કે, તે ભારતમાં આગામી બે વર્ષ દરમિયાન અંદાજે 100 અબજ ડોલરનું રોકાણ કરવા અંગેની સંભાવનાઓ શોધી રહ્યાં છે. ભારતની સરકારી ઓઈલ કંપની ‘ઓએનજીસી ફોરેન’ અબુ ધાબીમાં સમુદ્ર કિનારે ઓઈલ કન્શેસનના 10 ટકા શેર 600 લાખ ડોલરમાં ખરીદી લીધા છે.

ખાડીના દેશો સાથે મોટા પ્રમાણમાં વેપાર અને ભારતીય પ્રવાસીઓની સંખ્યા છતાં બંન્ને વચ્ચે રોકાણ દાયકાઓથી નિચલા સ્તર પર રહ્યું છે.  ખાડીના દેશોમાં અંદાજે 80 લાખ ભારતીયો રહે છે, અને દર વર્ષે અંદાજે 55 અરબ ડોલર રેમિટન્સ (2015) સ્વેદેશ મોકલાવે છે. તેમ છતાં પણ રોકાણ શૂન્ય પર રહ્યું છે.

પીએમ મોદીના કાર્યકાળમાં આવ્યા બાદ પરિસ્થિતિઓ બદલાણી છે. છેલ્લા 5 વર્ષોમાં મોદીએ ખાડીના યુવા નેતાઓ સાથે સંબંધ સ્થાપિત કર્યા છે, જેમાં અબુ ધાબી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ બિન સલમાને તેમના ભારત પ્રવાસ દરમિયાન મોદીને ‘મોટા ભાઈ’ કહીને સંબોધિત કર્યાં હતાં.

ઓઈલની ઓછી કિંમતો છતાં ભારતના ઉર્જા ક્ષેત્રમાં ખાડીના દેશોનું રોકાણ વધ્યું છે. ઓક્ટોબર 2018માં દૂબઈની ડીપી વર્લ્ડે મુંબઈમાં 44 અબજ ડોલરના શેર ખરીદ્યા છે. સાઉદી અરામકો અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની મહારાષ્ટ્રના રત્નાગિરીમાં 44 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયાર થયાં. મે 2018માં સાઉદી બેસિક ઈન્ડસ્ટ્રીઝ કોર્પ ગુજરાતમાં 4.6 અબજ ડોલરના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટમાં 50 ટકા શેર ખરીદવાનો વિચાર કરી રહી છે.

મોદી સરકારે મધ્ય-પૂર્વ દેશોમાં વેપાર અને રોકાણ વધારવાની સાથે સાથે સુરક્ષાના એજન્ડા પર પણ ધ્યાન આપ્યું છે. ભારતે સેન્ય ટેકનિક માટે ઈઝરાયલ તરફ મીટ માંડી છે. 2012થી 2016 દરમિયાન 40 ટકા ઈઝરાયલી સૈન્ય નિકાસ સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ભારત ઈઝરાયલનું સૌથી મોટું ગ્રાહક બની ગયું છે. હાલમાં જ ભારતે ઈઝરાયલ પાસેથી 54 અટેક ડ્રોન, બરાક-8, 6 અબજ ડોલરની મિસાઈલ સિસ્ટમ ખરીદી હતી.

પાકિસ્તાનની નિકટ માનવામાં આવતા ખાડી દેશો સાથે ભારતે સુરક્ષા ક્ષેત્રમાં ભાગીદારી વધારવા પણ પ્રયાસો હાથ ધર્યા છે.

2018માં યુએઈએ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા ભારતના ત્રણ લોકોનું પ્રત્યપર્ણ કર્યું હતું. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આ મામલાને વ્યક્તિગત સંબંધ ગણાવ્યા હતાં. જે સ્પષ્ટ રીતે યુએઈ અને મોદીના ગાઢ સંબંધો તરફ ઈશારો કરે છે.

2018માં ભારતે ઓમાન સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતાં, જેમાં ભારતીય નૌકાદળને અરબ સાગર અને હિંદ મહાસાગરમાં આવેલા દુક્મ પોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નવી દિલ્હીની મુલાકાત સુરક્ષા સહયોગ અંગે વાતચીતનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું. બંન્ને દેશોએ સમુદ્રી જહાજો બનાવવામાં મદદ કરવા માટે સહમતિ દર્શાવી હતી. એટલું જ નહીં સાઉદી અરબે તેમના નિવેદનમાં, આતંકવાદને રોકવા માટે ભારત સાથે ઈન્ટેલિજન્સ શેર કરવાનું વચન આપ્યું હતું, જે પુલવામા હુમલાને જોતા પાકિસ્તાનને એક મોટો સંદેશ હતો. યુએઈએ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

મોદીનો ખાડી દેશો સાથેના પ્રેમની કહાનીમાં ઈરાન એક અપવાદ છે. જોકે, આ ઈસ્લામિક ગણરાજ્ય સાથે ભારતના સંબંધો સારા જ રહ્યાં છે, પરંતુ થોડા વર્ષોમાં ખાડી દેશો અને ઈઝરાયલ સાથે વધતા જતા ઘરોબાથી ઈરાન સાથેની દોસ્તીનો રંગ ફિક્કો ચોક્કસ પડયો છે.

ઈરાન સાથે સંબંધોમાં થોડી નરમાઈ આવવા પાછળ બે કારણો છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર નવેમ્બર 2018માં પ્રતિબંધ મુક્યો તો, ભારતે પણ ઈરાન પાસેથી ઓઈલની આયાતમાં ઘટાડો કરી દીધો હતો. જોકે ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું કે, ભારત કોઈ પણ દેશના પ્રતિબંધને માન્યતા નથી આપતું. તો બીજી તરફ ઈરાનના ફરઝાદ બી ગેસ ફિલ્ડના વિકાસને લઈને પણ ઈરાન અને ભારત વચ્ચે 2009થી મામલો અટવાયેલો છે.

ઈરાનની અવગણના કરવામાં ખતરો પણ છે. ઈરાન પાસે ઓઈલના ભંડાર છે,અ અને ઈરાન ભારતનું મુખ્ય ઓઈલ અને ગેસ આપૂર્તિકર્તા રહ્યું છે. ઈરાનની રણનીતિક સ્થિતિ ભારત માટે મહત્વની છે, કારણ કે, પશ્ચિમ એશિયા અને અફધાનિસ્તાનમાં પાકિસ્તાનમાંથી પસાર થયાં વગર ભારતની પહોંચ વધશે.ચાબહાર પોર્ટમાં પણ ભારતે રોકાણ કર્યું છે. ઈરાન સાથેની ખટાશ ભારતને ચાબહારમાં પોતાની પકડ નબડી પાડી શકે છે.

વર્તમાનમાં પીએમ મોદી આ ખતરાઓનો સામનો કરવા તૈયાર છે. ભારતની સતર્કતાથી ભરી સંતુલન નીતિને બદલે પીએમ મોદી ખાડી દેશોમાંથી રોકાણ લાવવા માટે આક્રામક રણનીતિ અપનાવી છે.