PM મોદીનો 2019નો પહેલો ઈન્ટરવ્યૂ, રામમંદિર મુદ્દે કહ્યું હાલ અધ્યાદેશ નહીં કારણ કે…

નવી દિલ્હી– નવા વર્ષના પહેલાં જ ઇન્ટરવ્યૂમાં સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રામમંદિર મુદ્દે થઈ રહેલી કોર્ટ કાર્યવાહીમાં વિલંબ માટે તેમણે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં કહ્યું કે કોંગ્રેસના વકીલો સુપ્રીમ કોર્ટમાં અડચણો ઊભી કરી રહ્યાં છે જેના લીધે આ મામલે સુનાવણીની ગતિ ધીમી પડી ગઈ છે.રામમંદિર મુદ્દે કોઈ અધ્યાદેશ ત્યારે જ લાવી શકાશે જ્યારે તેના પરની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય.

રામમંદિર હજુ પણ બીજેપી માટે સંવેદનપૂર્ણ મામલો હોવાના પ્રશ્નનો જવાબ આપતાં પીએમ મોદીએ જણાવ્યું કે અમે અમારા ઢંઢેરામાં કહ્યું હતું કે આ મામલામાં સમાધાન સંવૈધાનિક પદ્ધતિએથી કરવામાં આવશે. બીજેપીએ ઘોષણાપત્રમાં કહ્યું હતું કે તે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ ઇચ્છે છે.આપને જણાવીએ કે છેલ્લાં કેટલાક સમયથી ભારતીય જનતા પક્ષમાં તેમ જ આરએસએસમાં અંદરોઅંદર જ ચર્ચાનો માહોલ છે કે રામમંદિર નિર્માણ માટે જલદી જ રસ્તો સાફ થઈ જવો જોઈએ. તીન તલાક પર જાહેર થયેલાં અધ્યાદેશની જેમ રામમંદિરના નિર્માણ માટે પણ ઓર્ડિનન્સ જાહેર કરવાની માગણી પ્રબળ બની છે તે એ હદે કે ભાજપની સહયોગી શિવસેનાએ પણ રામમંદિર નિર્માણ માટે અધ્યાદેશની માગણી કરી છે.

ત્યારે આજના ઈન્ટરવ્યૂમાં પીએમે સીધું જણાવ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને શક્યતઃ આખરી તબક્કામાં છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ જવા દો. આ પ્રક્રિયા પૂર્ણ થયાં પછી સરકાર તરીકેની જે પણ જવાબદારી હશે તેના માટે અમે તૈયાર છીએ.ઉલ્લેખનીય છે કે રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં 4 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટમાં રોજના ધોરણે સુનાવણીની માગ માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. પીએમ મોદીએ તીન તલાકની તર્જ પર રામમંદિર અધ્યાદેશની તુલના કરવા સામે પીએમ મોદીએ સ્પષ્ટ જણાવ્યું કે આ બંને મામલામાં અંતર છે. તીન તલાક ઉપર અધ્યાદેશ ત્યારે લવાયો જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો હતો. અને તે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ લાવવામાં આવ્યો હતો.પીએમ મોદીએ ગત સરકારોએ રામમંદિર નિર્માણનો મુદ્દે લટકાવી રાખવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગત 70 વર્ષમાં શાસન કરી જનાર સરકારોએ અયોધ્યા મામલો લટકાવી રાખવાનું જ કામ કર્યું છે.

ઉર્જિત પટેલના રાજીનામાં અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેણે અંગત કારણોસર (રાજીનામું આપવા) વિનંતી કરી હતી. હું પહેલી વખત જાહેર કરું છું, તેણે રાજીનામું આપ્યું તેના 6-7 મહિના અગાઉ જ મને રાજીનામાં અંગે જણાવ્યું હતું. તેમણે લેખમાં પણ આપ્યું. રાજકીય દબાણનો કોઈ પ્રશ્ન નથી. આરબીઆઇના ગવર્નર તરીકે તેમણે સારી કામગીરી કરી હતી.

ડિમોનેટાઇઝેશન: આ એક ઝટકો ન હતો. અમે એક વર્ષ પહેલાં લોકોને ચેતવણી આપી હતી કે, જો તમારી પાસે આવી સંપત્તિ (બ્લેક મની) હોય, તો તમે તેને જાહેર કરી શકો છો, દંડ ચૂકવી શકો છો. અમે તેમને મ મદદ કરીશું. તેમ છતાં, લોકો માનતા હતાં કે મોદી પણ બીજા વડાપ્રધાનોની જેમ જ વર્તશે, તેથી થોડા જ લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવ્યાં.

એ હકીકત છે કે જે લોકોએ પ્રથમ પેઢીનો વિચાર કર્યો હતો, તેમણે ચાર પેઢીઓ માટે દેશ ચલાવ્યો. તેઓ આજે જામીન પર છે, તે પણ નાણાકીય અનિયમિતતાઓ માટે. તે એક મોટી વાત છે.

સર્જિકલ સ્ટ્રાઈક: પાકિસ્તાન સામેની થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ એ વિચારવું ઘણું ભૂલ ભરેલું સાબિત થશે કે, માત્ર એક લડાઈથી પાકિસ્તાન સુધરી જશે. પાકિસ્તાનને સુધરવામાં હજુ ઘણો સમય લાગશે.

આયુષ્યમાન ભારત યોજના : 2018નું વર્ષ સફળ રહ્યું ચૂંટણી ઘણા બધા પાસાઓનો એક ભાગ છે. જો ગરીબોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે તો તે આયુષ્યમાન ભારત યોજના છે. આટલી મોટી સંખ્યામાં લોકો પીડાતા હતાં, આજે તેઓને સારવાર મળી છે, ત્યારે હું કેવી રીતે આને નિષ્ફળતા માની શકું?

5 રાજ્યોની ચૂંટણી: તેલંગાણા અને મઝોરમમાં બીજેપીને કોઈએ તક નથી આપી. છત્તીસગઢમાં સ્પષ્ટ જનાદેશ આપવામાં આવ્યો ભાજપ હારી ગયું. પણ બે રાજ્યોમાં ત્રિશંકુ વિધાનસભા હતી. બીજી તરફ અમારા લોકો દ્વારા 15 વર્ષની સત્તા વિરોધી લડાઈ લડવામાં આવી હતી. અમે ચર્ચા કરી રહ્યાં છીએ કે શું ખામી રહી ગઈ.

પીએમ મોદીએ કોંગ્રેસ અંગે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસના લોકો પણ કહી રહ્યાં છે કે, કોંગ્રેસ એક ‘વિચાર’ છે, એક સંસ્કૃતિ છે. જ્યારે હું કોંગ્રેસ મુક્ત કહું છું ત્યારે હું આ પ્રકારની વિચારધારા અને સંસ્કૃતિથી દેશને મુક્ત કરવા ઈચ્છું છું. અને હું એમ પણ કહું છું કે, કોંગ્રેસે પણ આ કોંગ્રેસ સંસ્કૃતિમાંથી મુક્ત થવું જોઈએ.

દેશ છોડીને જનારા ભાગેડુંઓ અંગે મોદીએ કહ્યું કે, જે લોકો અમારી સરકાર દરમિયાન દેશ છોડીને ફરાર થઈ ગયા છે, તેમને કોઈ પણ કિંમતે પરત લાવવામાં આવશે. ડિપ્લોમેટિક ચેનલ, લિગલ કોર્ષીસ અને મિલક્તોની જપ્તીની કામગીરી ચાલુ જ છે. જે લોકોએ ભારતના નાણાંની ચોરી કરી છે, તેમણે એક એક પાઈની કિંમત ચૂકવવી પડશે.

રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો: પરંતુ શું આજે જીએસટી પ્રક્રિયા દેશની તમામ રાજકીય દળો સાથે સહમતી નથી સાધી શકી? જ્યારથી પ્રણવ મુખરજી નાણાંપ્રધાન હતાં ત્યારથી જીએસટીની પ્રક્રિયા ચાલી રહી હતી.

સરકાર બાંધકામ સંબંધિત સામગ્રી 5 ટકા જીએસટી સ્લેબમાં લાવવાની તરફેણમાં છે: વડા પ્રધાન મોદી

કોંગ્રેસની સરકાર દ્વારા રાજ્યોમાં લોન માફી અંગે મોદીએ કહ્યું: જૂઠાણું અને ગેરમાર્ગે દોરવા માટેની આ જાહેરાત હતી, માટે હું તેને લોલીપોપ કહું છું.

મધ્યમ વર્ગ અંગે મોદીએ કહ્યું: મધ્યમ વર્ગ માટે આપણે આપણી વિચારધારા બદલવી પડશે. મધ્યમ વર્ગ ક્યારેય પણ કોઈની દયા પર નથી રહેતો. તે સન્માનની સાથે જીવે છે, અને દેશને આગળ વધારવાની દિશામાં મોટું યોગદાન આપી રહ્યાં છે.

ટ્રિપલ તલાક પર પીએમ મોદી:  મોટાભાગના ઈસ્લામિક દેશોએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત: આ ઘર્મ અને આસ્થાનો વિષય નથી, આ જેન્ડર સમાનતાનો મુદ્દો છે, સામાજીક ન્યાયનો મુદ્દો છે. આ આસ્થાનો મુદ્દો કયારેય નથી.

ગઠબંધન: 2014માં અમારી સરકારને પૂર્ણ બહુમતી મળી, પરંતુ અમે ગઠબંધન ધર્મનું પાલન કર્યું છે. તમામને સાથે રાખીને ચાલ્યા છીએ. આજે પણ જ્યારે અમે સરકાર ચલાવીએ છીએ ત્યારે કોઈ પણ મુદ્દે નિર્ણય લેવામાં સર્વસંમતિ હોઈ છે. અમારી સહયોગીઓ વિકાસ કરવા ઈચ્છે છે, અને અમે પણ તેમને વિકસિત કરવા ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા તે ગઠબંધન દળોની કિંમત પર આગળ વધીએ.

કોંગ્રેસની ગેમ અલગ છે. કોંગ્રેસનું નેતૃત્વ ધરાવતા ગઠબંધનની વિશેષતા એ છે કે, તે કોંગ્રેસની સામે અવાજ ઉઠાવ્યા બાદ કોંગ્રેસમાંથી બહાર આવ્યા છે, અથવા તો કોંગ્રેસ વિરોધને કારણે જન્મ થયો છે. માટે હવે આ પાર્ટીઓ ગઠબંધન માટે કોંગ્રેસ પાસે જાય છે તો, કોંગ્રેસ તેમને પરેશાન કરે છે.

અગસ્ટાવેસ્ટલેન્ડ: જો કોઈ કોગ્રેસી કાર્યકર્તા મિશેલનો કેસ લડે છે તો, તે ચિંતાજનક બાબત છે. લોકોને ગર્વ થવો જોઈએ કે, એક રાજદારી આવ્યો છે, હવે કાયદાકીય તપાસ થશે અને સચ્ચાઈ સામે આવશે. તેના બદલે તમે મિશેલનું સમર્થન કરવા માટે તમારી પાર્ટીના વકીલને મોકલી રહ્યાં છો.

પાકિસ્તાન સાથે વાતચીત:  દેશમાં યુપીએ સરકાર હોઈ કે, એનડીએ સરકાર કયારેય પણ પાકિસ્તાન સાથે વાતચીતનો વિરોધ નથી કર્યો. આ દેશની સુસંગત નીતિ છે, ન કે મોદી સરકાર કે મનમોહન સરકારની. અમે માત્ર એક જ વાત કરીએ છીએ કે, બોમ્બ અને બંદૂકોના અવાજ વચ્ચે વાતચીત શક્ય નથી.

ડોકલામ મુદ્દો: ડોકલામમાં ભારતે કરેલી ગતીવિધીઓને આધારે આંકલન થવું જોઈએ. છેતરપીંડિ કહી શકાય તેવી કોઈ પણ ઘટના ભારત સાથે થઈ નથી. પરંતુ આપણી રાજકીય સ્થિતિ એવી રહી છે કે, આપણે હમેશાં પડોશીદેશો સાથે મિત્રતાનો સંબંધ ઈચ્છીએ છીએ.