પીએમ મોદી લંડનમાં કરશે ‘ભારત કી બાત, સબકે સાથ’

0
2466

નવી દિલ્હી- આગામી 18 એપ્રિલે પીએમ મોદી લંડનમાં ‘ભારત કી બાત, સબ કે સાથ’ શિર્ષક હેઠળ પરિસંવાદને સંબોધન કરશે. આ અંગેની માહિતી ભારતીય જનતા પાર્ટીના વિદેશ બાબતોનો વિભાગ સંભાળતા વિજય ચોથાઈવાલે ટ્વીટ કરીને આપી હતી.વિજય ચોથાઈવાલે જણાવ્યું કે, 18 એપ્રિલે લંડનમાં એક અનોખા કાર્યક્રમની યોજના તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમને ‘ભારત કી બાત, સબ કે સાથ’ શિર્ષક આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદી સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ હશે.

મળતી માહિતી મુજબ પીએમ મોદીના આ કાર્યક્રમનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે લંડનમાં જ 16થી 20 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રમંડળ સભાના સરકારી વડાઓનું સમ્મેલન (CHOGM) આયોજીત કરવામાં આવ્યું છે. આ સમ્મેલનમાં પીએમ મોદી પણ હાજરી આપશે. આ સમ્મેલન દરમિયાન સમૂહના 53 સદસ્ય દેશો પોતાની સમક્ષ રહેલા પડકારોનો કેવી રીતે સામનો કરી શકાય અને લોકતંત્રમાં શાંતિ સમૃદ્ધિ માટે કેવી રીતે આગળ વધી શકાય તે અંગેના પોતાના વિચારો રજૂ કરશે.

આ પહેલા વર્ષ 1997માં બ્રિટને ચોગમ સમ્મેલનની યજમાની કરી હતી. વર્ષ 2018ના સમ્મેલનમાં બ્રિટન ચોગમ સમુહના પ્રમુખની જવાબદારી સ્વીકારશે અને વર્ષ 2020 સુધી પ્રમુખની જાવદારી નિભાવશે.