PM મોદી અને પ્રધાનોની યાત્રાઓ પેટે કેટલાં ખર્ચાયાં? મળ્યો RTIમાં જવાબ

નવી દિલ્હી– વડાપ્રધાન મોદી અને તેમના પ્રધાનમંડળના છેલ્લા 5 વર્ષની વિદેશી તેમજ ઘરેલુ યાત્રાના ખર્ચને લઈને મહત્વનો ઘટસ્ફોટ સામે આવ્યો છે.  માહિતી મેળવવાનો અધિકાર (RTI) હેઠળ આ જાણકારી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 5 વર્ષમાં આ લોકોએ યાત્રા પાછળ 393 કરોડનો ખર્ચ કર્યો છે. મહાનગરના આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં આરટીઆઈ અરજી દાખલ કરી હતી જેમાં મે 2014થી અત્યાર સુધીમાં વડાપ્રધાન અને તેમના પ્રધાનમંડળે કરેલી યાત્રાઓના ખર્ચની માહિતી માગી હતી.

મોદી સરકારે ડિસેમ્બર 2018માં રાજ્યસભામાં વિદેશ યાત્રા ખર્ચ પર પુછેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ચાર્ટર્ડ વિમાનો, વિમાનોની દેખરેખ અને મોદીની વિદેશ યાત્રા દરમિયાન હોટલાઈન સુવિધાઓ પર જૂન 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં 2021 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.

અનિલ ગલગલી તરફથી કરેલી આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે કે, વડાપ્રધાન અને તેમના કેબિનેટ દ્વારા વિદેશી યાત્રા પર 263 કરોડનો ખર્ચ અને ઘરેલુ યાત્રામાં 48 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

વધુમાં આરટીઆઈમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપ્રધાનોની વિદેશી યાત્રા પર 29 કરોડ રૂપિયા અને ઘરેલૂ યાત્રા પર 53 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

કેબિનેટ બાબતોના ચૂકવણી અને એકાઉન્ટ્સ કાર્યાલયના વરિષ્ઠ એકાઉન્ટ અધિકારી સતીષ ગોયલે સવાલોના જવાબમાં કહ્યું કે, નાણાંકીય વર્ષ 2014 15થી 2018 19 સુધીમાં વડાપ્રધાન અને પ્રધાનોની વિદેશી યાત્રા અને ઘરેલૂ યાત્રા પર કુલ 393.58 કરોડનો ખર્ચ થયો છે.  ઈ એકાઉન્ટ રિપોર્ટનો હવાલો આપતા ગોયલે કેબિનેટ પ્રધાનો, વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાનોના ખર્ચની અલગથી વિગતો આપી હતી. આરટીઆઈના જવાબ મુજબ કેબિનેટ પ્રધાનો અને વડાપ્રધાને વિદેશી અને ઘરેલૂ યાત્રા એમ બંન્ને મળીને કુલ 311 કરોડ રૂપીયા ખર્ચ કર્યા, જ્યારે મુખ્યપ્રધાનોએ 80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.