પીએમ મોદી જશે કશ્મીર, પાક.ની નજરમાં ખટકતાં આ પ્રોજેક્ટનું કરશે ઉદઘાટન

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે દિવસ કશ્મીરની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કરશે. આપને જણાવી દઈએ કે, કિશનગંગા એજ પરિયોજના છે જેના નિર્માણમાં પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી લદ્દાખના આધ્યાત્મિક ગુરુ કુશક બકુલાની 100મી જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.શું છે કિશનગંગા પ્રોજક્ટનો મામલો?

કિશનગંગા પ્રોજેક્ટ ઉત્તર કશ્મીરના બાંદીપુર વિસ્તારમાં આવેલો છે. કિશનગંગા નદીના પ્રવાહને અવરોધીને 23.25 કિમી લાંબી સુરંગ દ્વારા જમીનની અંદર પાવર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા દર વર્ષે 171.3 કરોડ યૂનિટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે.

પાકિસ્તાનનો પરાજય

કિશનગંગા પ્રોજેક્ટની શરુઆત વર્ષ 2007માં કરવામાં આવી હતી. પરંતુ 17 મે 2010ના રોજ આ પરિયોજનાના નિર્માણ વિરુદ્ધ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય અદાલતમાં મધ્યસ્થતા માટે ગયું હતું. પાકિસ્તાને સિંધુ જળ કરારનો હવાલો આપીને આ પરિયોજના પર આપત્તિ વ્યક્ત કરી હતી. પરંતુ હેગ સ્થિત આંતરાષ્ટ્રીય આદાલતે વર્ષ 2013માં ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આંતરાષ્ટ્રીય આદાલતે કહ્યું કે, સિંધુ જળ કરાર અંતર્ગત ભારતને એ અધિકાર છે કે, તે કિશનગંગામાં વિજળીનું ઉત્પાદન કરવા માટે પાણીના પ્રવાહને અવરોધી શકે.