આઝાદ હિંદ સરકારના 75મા સ્થાપના દિને વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી – બ્રિટિશ હકૂમતને તગેડી મૂકી ભારતને આઝાદ કરાવવાના ઉદ્દેશ્ય સાથે મહાન સ્વાતંત્ર્યસેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી ‘આઝાદ હિંદ ફોજ’ની ‘આઝાદ હિંદ સરકાર’ના 75મા સ્થાપનાદિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ સરકારના પ્રથમ વડા પ્રધાન હતા.

ભારતને આઝાદી મળ્યા બાદ આજે દેશના કોઈ વડા પ્રધાને પરંપરાગત 15 ઓગસ્ટને બદલે કોઈ અલગ તારીખે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હોય એવો દેશના ઈતિહાસમાં આ પહેલો જ પ્રસંગ છે. આઝાદ હિંદ ફોજ અથવા ઈન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ 21 ઓક્ટોબર, 1943ના રોજ કરવામાં આવી હતી.

વડા પ્રધાન ધ્વજારોહણ પ્રસંગે આઝાદ હિંદની ટોપી પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં નેતાજીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

‘આઝાદ હિંદ સરકાર’ની 75મી જન્મજયંતિ નિમિત્તે વડા પ્રધાને સૌને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે નેતાજીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાનું એલાન કર્યું હતું.

બોઝ દેશવટો ભોગવતી પ્રોવિઝનલ ભારત સરકારના વડા હતા. ભારતની આઝાદી માટે 1940ના દાયકામાં ભારતની બહાર શરૂ કરાયેલા આંદોનનનો સુભાષબાબુની ‘આઝાદ હિંદ સરકાર’ એક ભાગ હતી. એનો ઉદ્દેશ્ય ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્ત કરાવવા બ્રિટિશવિરોધી સત્તાઓનો સાથ મેળવવાનો હતો.

આજે ધ્વજવંદન કાર્યક્રમને લીધે લાલ કિલ્લા ખાતે જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.