2019 ચૂંટણીને લઇ મોદી-શાહનું મહામંથન શરુ, ભાજપશાસિત સીએમ બેઠકમાં લઇ રહ્યાં છે ભાગ

નવી દિલ્હી– લોકસભા ચૂંટણી માટે એકતરફ ચૂંટણીપંચે સર્વદળીય બેઠક બોલાવી દીધી હતી ત્યાં હવે ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક શરુ થઇ રહી છે. દિલ્હીના 6, દીનદયાળ માર્ગ સ્થિત મુખ્યાલયમાં આ બેઠક યોજાશે.આજે પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલી આ બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યપ્રધાનો દિલ્હી પહોંચી ચૂક્યાં છે. આગામી ચૂટણીઓને લઇને બેઠકમાં ચર્ચા થશે.લોકસભા 2019 ચૂંટણી ઉપરાંત દેશના અલગઅલગ રાજ્યમાં ચૂંટણીપ્રચાર કાર્યક્રમને લઇને રુપરેખા  આ બેઠકમાં નક્કી કરવામાં આવી શકે છે.

પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અરપ્ણ કરવા સાથે બેઠકનો પ્રારંભ થશે. માનવામાં આવી રહ્યું છે કે વાજપેયીજીની લોકપ્રિયતાનો ચૂંટણીઓમાં ઉપયોગ કરવામાં આવશે.

દિવસભર જુદાંજુદાં સેશનમાં પક્ષને લગતાં લગભગ તમામ મુદ્દાની ચર્ચા થશે. પ્રચાર અભિયાનની રણનીતિ, એનડીએ ગઠબંધન, સંગઠનાત્મક બાબતો, કેન્દ્રીય યોજનાઓનો રાજ્યવાર અમલ વગેરે મુદ્દા પર ચર્ચા કરાશે તેમ જ પક્ષ અધ્યક્ષ માર્ગદર્શન આપશે.

બેઠકમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસની વાસ્તવિક જનાધારની સ્થિતિની અને તાજેતરમાં રાહુલ ગાંધીએ આપેલાં નિવેદનોની ચર્ચા કરાશે. કોંગ્રેસની ચૂંટણી રણનીતિ સંદર્ભે પણ સ્થિતિસમીક્ષા કરવામાં આવી શકે છે.

તો, ભાજપના સહયોગી પક્ષોના મુદ્દાઓ પર ચર્ચા પણ થવાની છે. ખાસ કરીને વિપક્ષનું મહાગઠબંધન સપાટી પર આવ્યું છે ત્યારે ભાજપ સહયોગી પક્ષો માટે કેવા મૂડમાં છે તે પણ આ બેઠકમાં સ્પષ્ટ થશે.