કરતારપુર કોરિડોરનો પાકિસ્તાન દુરુપયોગ કરી શકે છે: નિષ્ણાતો

નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરીને પાકિસ્તાન ભારતમાં અશાંતિ ફેલાવી શકે છે એવો ભારત-પાક બાબતોના નિષ્ણાતોનો મત છે. એ માટે પાકિસ્તાન ભારતમાં ખાલિસ્તાન તરફી ચળવળકારોને પ્રોત્સાહન મળે એવા પ્રયાસોમાં લાગ્યું છે.નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફલિક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર અજય સાહની દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈને આમ જણાવાયું હતું.

તાજેતરમાં દેશની જાસૂસી સંસ્થાના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે પાકિસ્તાન ભારતની શાંતિ ડહોળાવવા શીખ સમુદાયનો ઉપયોગ કરી શકે છે. આ રિપોર્ટ સામે પ્રતિક્રિયા આપતા નિષ્ણાતો એ બાબતે ભાર મૂક્યો છે કે અગાઉ પણ પાકિસ્તાન ભારતમાં અને વિદેશોમાં શીખસમુદાયને લક્ષ્ય રાખી ખાલિસ્તાની ચળવળને તેજ કરવાના નિષ્ફળ પ્રયાસો કરી ચૂક્યું છે. કરતારપુર કોરિડોરનો પણ પાકિસ્તાન આવા કારસ્તાન માટે ઉપયોગ કરવા મથશે, કારણ કે પાકિસ્તાનને શીખ લોકોની ધાર્મિક લાગણી માટે કોઈ સહાનુભૂતિ નથી, પણ એના દ્વારા બીજા સ્વાર્થ સિદ્ધ થઈ શકે છે.

પાકિસ્તાને આ પ્રોજેક્ટને ધાર્મિક કટ્ટરતાના પ્રોત્સાહન માટે વાપરી શકાશે એમ ધારીને જ પીઠબળ આપ્યું છે. કરતારપુર કોરિડોરથી મોટી સંખ્યામાં લોકો આવજા કરી શકશે, જેમાંથી દ્વારા તેઓ કટ્ટરતાવાદી એજન્ડા ફેલાવી શકે છે. પાકિસ્તાન માટે શીખોની સુરક્ષા, સગવડ કે લાગણી કદીય મહત્વના મુદ્દા નથી રહ્યાં, પાકિસ્તાનમાં શીખોની હાલત દયનીય છે, કટ્ટરતાવાદી લોકો દ્વારા શીખોની હત્યા સામાન્ય બાબત છે, ત્યારે આ પ્રોજેક્ટને ઈસ્લામાબાદની સત્તાએ એમના મનસૂબા સર કરવાની ઉત્તમ તક તરીકે જ લીધી છે.

થોડા સમય પહેલાં જ પકડાયેલા પાકિસ્તાની જાસૂસ પાસેથી પણ જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં ખાલિસ્તાની ચળવળને ફરી સજીવન કરવા માગે છે. અત્યારે પણ વરસે ચાર વાર ધાર્મિક સ્થળોની મુલાકાતના કરાર હેઠળ આવજા કરતાં નાગરિકોને પણ પાકિસ્તાન કટ્ટરવાદ તરફ વાળવા પ્રયાસો કરી ચૂક્યું છે.