ભારતીય સેનાએ આપ્યો ‘નાપાક’ હરકતનો જવાબ, પાકિસ્તાનના બે સૈનિક ઠાર

શ્રીનગર- ભારતીય સરહદો પર અવારનવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરનારા અને આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારતીય સેનાએ ફરી એકવાર તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. કશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયા છે.પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા સૌનિકોની ઓળખ મોહમ્મદ મનીર ચૌહાણ, ઉંમર 32 વર્ષ અને આમિર હુસૈન, ઉંમર 28 વર્ષ તરીકે કરવામાં આવી છે. મોહમ્મ્દ મનીર ચૌહાણ કહુતા ગામનો અને આમિર હુસૈન PoK સ્થિત ભીમબર જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ગત રોજ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કશ્મીરના રાજૌરી, સુંદરબની, નૌશેરા, કલલ અને ખૌર વિસ્તારમાં (LoC) નિયંત્રણ રેખા નજીક યુદ્ધવિરામનો ભંગ કરી અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતના રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કર્યા હતા. જેમાં મોર્ટારથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધુંધ ફાયરિંગને કારણે રાજૌરી જિલ્લાની 72 સ્કુલ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફ વળતું ફાયરિંગ કર્યું હતું. જેમાં ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાના બે સૈનિક ઠાર મરાયા હતા.