કશ્મીરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતાં BSFના બે જવાન શહીદ

શ્રીનગર – 2003ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવેલા યુદ્ધવિરામના કરારનું કડક રીતે પાલન કરવા બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સમજૂતી થયાને હજી તો માંડ એક અઠવાડિયું થયું છે ત્યાં પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ આજે સવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉશ્કેરણીવિહોણો અને બેફામ ગોળીબાર કરતાં ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના બે જવાન શહીદ થયા છે.

અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમાં બીએસએફના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બંને જવાનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બે જવાનમાંનો એક સહાયક સબ-ઈન્સ્પેક્ટર હતો.

ભારત તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કરાઈ ન હોવા છતાં યુદ્ધવિરામ કરારનો ભંગ કરીને પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ એનો વળતો અને અસરકારક જવાબ આપ્યો હતો.

હજી ગઈ 29 મેએ જ બંને દેશના ડીજીએમઓ સ્તરે એવી સમજૂતી કરવામાં આવી હતી કે બંને દેશના લશ્કર 2003ની સાલમાં કરાયેલા યુદ્ધવિરામ કરારનો અક્ષરશઃ પાલન કરશે. પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા જ ભારતીય સમોવડિયા સાથે હોટલાઈન સંપર્ક શરૂ કરાયો હતો.

પાકિસ્તાને જમ્મુ અને કશ્મીર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ કરારનો ભંગ કરીને કરેલા ગોળીબારનો આ 46મો બનાવ બન્યો છે. આ બનાવોમાં ભારતના 20 સુરક્ષા જવાનો શહીદ થયા છે.