પડદા પર ‘પદ્માવત’, રસ્તા પર વિરોધ: ક્યાંક સ્વયંભૂ બંધ તો ક્યાંક તોડફોડ

નવી દિલ્હી- અનેક વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત દેશભરના સિનેમાગૃહોમાં રિલીઝ કરવામાં આવી. હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં આ ફિલ્મ 6થી 7 હજાર સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.વિરોધને પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના થિયેટર માલિકોએ પદ્માવત ફિલ્મ નહીં દેખાડવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં પણ રાજધાની પટનામાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી. જોકે પટના સિવાય બિહારના અન્ય વિસ્તારોમાં આ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. આજે ફિલ્મ રિલીઝના દિવસે પણ કરણી સેના અને રાજપૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાન: ઉદયપુરમાં તોડફોડ

રાજસ્થાનમાં પદ્માવતનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. ઉદયપુરમાં ટાઉન હોલ પાસેની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં અનેક સ્થળો પર કરણી સેનાના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જેથી પોલીસની વિશેષ મદદ લેવામાં આવી છે.

દિલ્હીમાં સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં પણ કનોટ પ્લેસના PVR થિયેટરમાં સઘન સુરક્ષા વચ્ચે ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જોકે દિલ્હીમાંથી હજી સુધી કોઈ અપ્રિય ઘટનાના સમાચાર મળ્યા નથી.

બિહારમાં ફિલ્મ પર બબાલ

બિહારના આરામાં કરણી સેનાના સમર્થકોએ રસ્તાઓ પર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. ભોજપુરમાંથી પણ આગ અને તોડફોડની ઘટનાઓ મળી રહી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ લાચાર બનીને તમાશો જોઈ રહી છે. બિહારના મોતીહારીમાં કરણી સેના અને સવર્ણ સેનાના કાર્યકર્તાઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બધા જ થિયેટરની બહાર સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સવારમાં પદ્માવતીનો કોઈ શો દેખાડવામાં આવ્યો નથી. કરણી સેનાના સદસ્યોએ પણ સ્થળ પર જઈને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

ગુજરાતના કચ્છમાં થિયેટર માલિકોએ બંધનું સમર્થન કર્યું છે અને થિયેટર બંધ રાખ્યા છે. ખેડા જિલ્લાના વેપારીઓએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું છે અને સ્વયંભૂ પોતાના વેપારધંધા બંધ રાખ્યા છે.

ઉત્તરપ્રદેશમાં લલિતપુર, મિર્ઝાપુર અને જૌનપુરમાં પ્રદર્શનને કારણે થિયેટર માલિકોએ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય કર્યો છે. ગાઝિયાબાદમાં ફિલ્મના વિરોધમાં દેખાવકારોએ રોડવેઝની બસમાં તોડફોડ કરી છે. ઘટનાના અનુસંધાને પોલીસે 8 લોકોની અટકાયત કરી છે.