ઉ.પ્ર.ના ગાઝીપુરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાઃ FIRમાં 90 જણનાં નામ, કેટલાકની ધરપકડ

ગાઝીપુર – ઉત્તર પ્રદેશના આ શહેરમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પૂરી થયા બાદ અને તેઓ રવાના થયાના અમુક જ કલાકમાં એક બેકાબૂ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને એમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસે તે ઘટનાનાં સંબંધમાં એફઆઈઆર નોંધી છે. એમાં 32 જણનાં નામ આપવામાં આવ્યા છે જ્યારે બીજાં 60 અજાણ્યા શખ્સ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે આમાંના કેટલાકની ધરપકડ કરી છે.

વડા પ્રધાન મોદીએ જ્યાં જાહેર સભાને સંબોધિત કરી હતી ત્યાંથી સુરેશ વત્સ નામના કોન્સ્ટેબલ પાછા ફરી રહ્યા હતા ત્યારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો.

કરીમુદ્દીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને 48 વર્ષીય સુરેશ વત્સ દેખાવકારોએ કરેલા ટ્રાફિક જામને દૂર કરવા ગયા હતા ત્યારે એમને માથામાં પથ્થર વાગ્યો હતો.

પોલીસનું કહેવું છે કે દેખાવકારો રાષ્ટ્રીય નિશાદ પાર્ટીના કાર્યકર્તાઓ હતા. વડા પ્રધાન મોદીની રેલીમાં હાજરી આપતા આ કાર્યકર્તાઓને પોલીસે રોક્યા હતા.

સુરેશ વત્સના પુત્ર વી.પી. સિંહે કહ્યું કે પોલીસ પોતાના જ કર્મચારીને રક્ષણ આપી શકતી નથી, તો બીજાનાં રક્ષણની ક્યાં વાત કરવી? હવે અમને વળતર ક્યારે મળશે? અગાઉ બુલંદશહર અને પ્રતાપગઢમાં આવા જ બનાવો બન્યા હતા.

ઉલ્લેકનીય છે કે, બુલંદશહર જિલ્લામાં કથિત ગૌહત્યા મામલે થયેલી ટોળાની હિંસામાં સુબોધ કુમાર સિંહ નામના એક પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.