વાવાઝોડું ‘ગજ’ તામિલનાડુના કાંઠે ત્રાટક્યું; 76 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવાયા

ચેન્નાઈ – ચક્રવાતી વાવાઝોડું ‘ગજ’ આજે મધરાતે 12.30 અને વહેલી સવારે 2.30 વાગ્યાની વચ્ચે તામિલનાડુના કાંઠે ત્રાટક્યું હતું. એ વખતે પવનની ગતિ 120 કિ.મી. પ્રતિ કલાકની હતી. વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં પારાવાર નુકસાન કર્યું છે. 13 જણે જાન ગુમાવ્યાના અહેવાલો છે.

રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રોએ સાવચેતી રૂપે અનેક આગોતરાં પગલાં લીધાં હતાં, પરંતુ નાગપટ્ટીનમ જિલ્લાના વેદારણ્યમમાં મિલકતોને નુકસાન પહોંચ્યું છે. અનેક ઢોર-પશુઓ પણ માર્યા ગયા છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા ઘરોને પણ નુકસાન થયું છે.

નાગપટ્ટીનમ, તિરુવારુર, પુડુકોટ્ટાઈ જિલ્લાઓમાં વાવાઝોડાને કારણે અનેક ઝાડ ઉખડી ગયા છે અને ઘણા કાચા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

વાવાઝોડાની જ્યાં વધારે અસર થઈ છે એ જિલ્લાના શહેરો, નગરો અને ગામોમાં વીજપૂરવઠો કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર તામિલનાડુના કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 76 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે.

વાવાઝોડું ‘ગજ’ નાગપટ્ટીનમ (જે પાટનગર ચેન્નાઈથી 300 કિ.મી.ના અંતરે આવેલું છે) અને વેદારણ્યમ વચ્ચેના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું.

વાવાઝોડું ત્રાટકતાં ત્રિચી, થાંજાવુર, પુડુકોટ્ટાઈ શહેરોમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

સ્થળાંતર કરાયેલા લોકોને નાગપટ્ટીનમ, પુડુકોટ્ટાઈ, રામનાથપુરમ અને તિરુવારુર સહિત છ જિલ્લાઓમાં ઊભાં કરવામાં આવેલા 300થી વધુ રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

હવામાન વિભાગે વહેલી સવારે 3.15 વાગ્યે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે વાવાઝોડાનો મધ્ય ભાગ જમીન પર આવી ગયો હતો, પણ એનો પાછળો ભાગ હજી દરિયા પર જ હતો. વાવાઝોડું આગળ વધી રહ્યું હતું. એ પશ્ચિમ તરફ આગળ વધશે અને છ કલાકમાં એનું જોર ધીમે ધીમે નબળું પડી જશે.

નાગપટ્ટીનમ, તિરુવારુર, થાંજાવુર, પુડુકોટ્ટાઈ, ત્રિચી, આરિયાલુર, મદુરાઈ, થેની જિલ્લાઓમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

‘ગજ’ નામ કેવી રીતે પડ્યું?

નવા ફૂંકાયેલા વાવાઝોડાને જે ગજ નામ આપવામાં આવ્યું છે એ શબ્દ મૂળ સંસ્કૃત છે. એનો અર્થ થાય છે હાથી. આ ચક્રવાતી વાવાઝોડાને ગજ નામ આપ્યું છે શ્રીલંકાના વિજ્ઞાનીઓએ. શ્રીલંકામાં હાથીઓની વસ્તી ઘણી છે અને ત્યાં હાથી પ્રાણીને માનની નજરે જોવામાં આવે છે. શ્રીલંકામાં ઘણા ધનવાન લોકો એમના નિવાસસ્થાનોમાં હાથીનાં બચ્ચાને પાળવાનો એક શોખ પ્રવર્તે છે.