સંસદ સત્ર: PM મોદીએ કહ્યું વિપક્ષને ઓછી સંખ્યાથી પરેશાન થવાની જરૂર નથી

0
1760

નવી દિલ્હી- મોદી સરકારમાં દેશની 17મી લોકસભાનું પહેલુ સત્ર સોમવારથી શરૂ થઇ ગયુ છે. સંસદ સત્રની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહે સાંસદ સદસ્યના શપથ લીધા. સ્પીકર ડૉ.વીરેન્દ્ર કુમારે 17મી લોકસભાનાં પહેલા સત્રની કાર્યવાહી શરૂ કરાવી હતી.

આ સત્રમાં પૂર્ણ બજેટને જાહેર કરવામાં આવશે. સાથે સરકાર ત્રીપલ તલાક સહિતનાં ઘણા મહત્વનાં મુદ્દાઓ પર બિલ પસાર કરવાનો પ્રયત્ન કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારનાં રોજ ઓલ પાર્ટી મીટિંગમાં એજન્ડા પર ચર્ચા કરી હતી. લોકસભામાં ઘણા નવા ચહેરા હોવાની વાત કરતા મોદીએ કહ્યુ કે, સંસદ સત્ર ઉત્સાહ અને નવા વિચારો સાથે શરૂ થવુ જોઇએ.

નવા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, આજથી એક નવા સત્રની શરૂઆત થઇ રહી છે. આ સત્રની શરૂઆતની સાથે નવી આશાઓ અને સપના છે. આઝાદી બાદથી આ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલા મતદાતા અને સાંસદ દેખાઇ હતી. તેમણે કહ્યુ કે, ઘણા દશકો બાદ એક સરકારે બીજા કાર્યકાળ માટે પૂર્ણ બહુમત મેળવ્યો છે. જનતાએ અમને ફરી એકવાર સેવા કરવાનો અવસર આપ્યો છે. હુ દરેક વિપક્ષી દળોથી અનુરોધ કરુ છુ કે તે દરેક નિર્ણયોનું સમર્થન કરે જે લોકોનાં પક્ષમાં છે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષને લઇને કહ્યું કે, પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષ રહી કામ કરે. અમે આવનારા 5 વર્ષો માટે સદનની ગરીમાને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યુ કે, વિપક્ષને પોતાની સંખ્યાને લઇને પરેશાન થવાની જરૂર નથી. હું આશા રાખું છું કે તે પોતાની સક્રિયતા બતાવશે અને સંસદની કાર્યવાહીમાં ભાગ લેશે.

હવે 19 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. 20 જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ દિવસે જ રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. સંસદનું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈએ પહેલી વખત મહિલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.