પંજાબના પ્રધાનપદેથી નવજોત સિંહ સિધુએ રાજીનામું આપ્યું

ચંડીગઢ – ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિંહ સિધુએ પંજાબના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. પોતે ગઈ 10 જૂને એ વખતના કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પોતે પંજાબની કેબિનેટમાં પ્રધાન પદેથી રાજીનામું આપે છે. એ પત્ર સિધુએ આજે રિલીઝ કર્યો છે. આ પત્ર એમણે આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

આ પત્ર પોસ્ટ કર્યા બાદ તરત જ સિધુએ ટ્વીટ કર્યું હતું કે પોતે એમનું રાજીનામું પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને સુપરત કરી દેશે.

સિધુ અને અમરિન્દર સિંહને એકબીજાને બનતું નથી. બંને જણ વચ્ચે ઘણા મુદ્દા પર મતભેદ જોવા મળ્યા છે. જેમ કે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં સિધુની હાજરી, ત્યાં પાકિસ્તાનના લશ્કરી વડા સાથે એમનું ભેટવું તેમજ બાદમાં લોકસભાની ચૂંટણી વખતે સિધુની પત્નીને ટિકિટ ન મળે એ માટે અમરિન્દર સિંહે ભજવેલી ભૂમિકા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

અમરિન્દર સિંહે ગયા મહિને એમના પ્રધાનમંડળમાં નાનકડો ફેરફાર કર્યો હતો અને સિધુ પાસેથી પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતોનું ખાતું લઈ લીધું હતું અને એની બદલે એમને રીન્યૂએબલ એનર્જીનું ખાતું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસપ્રમુખ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે.