મમતા બેનરજીની હત્યા કરવા વિદ્યાર્થીને વોટ્સએપ પર ઓફર મળી

કોલકાતા – પશ્ચિમ બંગાળના બેહરામપોર વિસ્તારનો ૧૯ વર્ષીય રહેવાસી વિદ્યાર્થી એને મળેલો એક વોટ્સએપ મેસેજ વાંચીને ચોંકી ઊઠ્યો હતો, કારણ કે એમાં અજાણી વ્યક્તિઓએ એને ઓફર કરી હતી કે જો એ રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીની હત્યા કરશે તો એને એક લાખ ડોલરનું ઈનામ મળશે.

આ મેસેજ મોકલનારે પોતાને લેટિન નાગરિક તરીકે ઓળખાવ્યો હતો. એ મેસેજવાળો ફોન નંબર અમેરિકાના ફ્લોરિડામાં હોવાનું માલૂમ પડ્યું છે.

એ લેટિન વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે પોતે એક ત્રાસવાદી સંગઠન માટે કામ કરે છે અને એને ભારતમાં એક ભાગીદારની જરૂર છે.

પોલિટેક્નિકનું ભણતા વિદ્યાર્થીએ પોલીસને કહ્યું હતું કે, ગયા સોમવારે બપોરે ૧ વાગ્યા બાદ મને લેટિન તરફથી સંદેશા આવવાનું શરૂ થયું હતું. એમાં એણે લખ્યું હતું કે, ‘અમને મદદ કરવાના બદલામાં અમે તમને ૧ લાખ ડોલર ચૂકવીશું. તમે સલામત રહેશો, ચિંતા ન કરશો. તમે તૈયાર છો? ઝડપથી કરો અથવા અમે કોઈક બીજી વ્યક્તિને પસંદ કરીશું.’

તે વિદ્યાર્થીએ જવાબમાં લખ્યું હતું, ‘નો થેંક્સ.’

એક કલાક પછી વિદ્યાર્થીને ફરી મેસેજ આવ્યો હતો અને એને ‘લૂઝર (ખોટ કરનાર)’ તરીકે ઓળખાવ્યો હતો.

વિદ્યાર્થીએ પોલીસને જાણ કરી ત્યારે શરૂઆતમાં પોલીસે એમાં રસ લીધો નહોતો. પણ બાદમાં જ્યારે ગુપ્તચર એજન્સીઓએ પણ આ વિશે ચેતવણી આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીઆઈડી વિભાગ આ કેસમાં તપાસ કરી રહી છે.

કોલકાતા પોલીસને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.