છેલ્લા છ મહિનામાં 22 લાખ નવી નોકરીઓ તૈયાર થઈ, મોદી સરકાર માટે સારા સમાચાર

નવી દિલ્હીઃ રોજગાર મુદ્દે સતત ઘેરાઈ રહેલી મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. ગત છ મહિના દરમિયાન આશરે 22 લાખ નવી નોકરીઓ તૈયાર થઈ છે. આ જાણકારી ઈપીએફઓ અને નેશનલ પેન્શન સિસ્ટમ દ્વારા જાહેર કરવામાં આવેલા પેરોલ ડેટામાંથી મળી છે. આનાથી રોજગાર મુદ્દે સરકારની સ્થિતી મજબૂત થતી દેખાઈ રહી છે.

ઈપીએફઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા છ મહિના દરમિયાન કુલ 31 લાખ જેટલા લોકોએ સંગઠન સાથે ખાતા ખોલ્યા છે. આ પૈકી 18 થી 25 વર્ષની ઉંમરના સબ્સક્રાબર્સને નવી નોકરી પ્રાપ્ત કરનારા લોકોમાં ગણવામાં આવ્યા છે. આ લોકોની કુલ સંખ્યા 18.5 લાખ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે 18 થી 25 વર્ષની ઉંમરના લોકોને જો અલગ કરીને પછી ગણતરી કરવામાં આવે તો જાણવા મળે છે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ ધીમે-ધીમે સંગઠીત થઈ રહ્યો છે.

નેશનલ પેન્શન સિસ્ટમની વાત કરવામાં આવે તો 6 મહીના દરમિયાન કેન્દ્રીય અને સરકારી ક્ષેત્રમાંથી 3 લાખ 50 હજાર લોકોએ નવા ખાતા ખોલાવ્યા છે. આ ડેટા મેળવ્યા બાદ કુલ નવા રોજગારની સંખ્યા 22 લાખ સુધી પહોંચી જાય છે.