65 વર્ષથી વધુ, 15 વર્ષથી નીચેની વયના ભારતીયો આધાર કાર્ડ પર નેપાળ, ભૂટાન જઈ શકશે

નવી દિલ્હી – નેપાળ અને ભૂટાનના પ્રવાસે જવા માટે હવેથી એવા ભારતીયો માટે આધાર કાર્ડ કાયદેસર રીતે માન્ય ટ્રાવેલ દસ્તાવેજ ગણાશે જેમની વય 65 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંદેશામાં જણાવાયું છે કે ઉક્ત બે વયજૂથ સિવાયના ભારતીયો પડોશના આ બે દેશ – નેપાળ અને ભૂટાનના પ્રવાસે જવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી નહીં શકે. આ બે દેશમાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી.

જેમની પાસે કાયદેસર પાસપોર્ટ હોય અને ભારત સરકારે ઈસ્યૂ કરેલું કોઈ ફોટો ઓળખપત્ર હોય અથવા ચૂંટણી પંચે ઈસ્યૂ કરેલું ચૂંટણીનું ઓળખપત્ર હોય તો ભારતીય નાગરિકો વિઝા વિના પણ નેપાળ અને ભૂટાન જઈ શકે છે.

અગાઉ, 65 વર્ષથી ઉપરના લોકો અને 15 વર્ષથી નીચેની વયના લોકો નેપાળ અને ભૂટાન જવા માટે એમની ઓળખ પુરવાર કરવા માટે એમનું PAN કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર સરકારની હેલ્થ સર્વિસ કાર્ડ અથવા રેશન કાર્ડ બતાવી શકતા હતા, પણ આધાર કાર્ડ કાયદેસર નહોતું.

આધાર એ 12-આંકડાનો યુનિક ઓળખ નંબર છે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નાગરિકોને ઈસ્યૂ કર્યો છે. અનેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબર હોવો ફરજિયાત છે.

ભૂટાન જવા માગતા ભારતીય નાગરિકો પાસે કાં તો ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ જેની મિનિમમ કાયદેસરતા છ મહિનાની હોય અથવા ભારતીય ચૂંટણી પંચે ઈસ્યૂ કરેલું ઓળખપત્ર હોવું જોઈએ.

ભૂટાન દેશ ભારત સાથે ચાર રાજ્યો સાથે સરહદ બનાવે છે – સિક્કીમ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. ત્યાં આશરે 60 હજાર ભારતીયો વસે છે. તેઓ મુખ્યત્વે હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર તથા બાંધકામ ઉદ્યોગોમાં કામ કરે છે.

તે ઉપરાંત સરહદીય નગરોમાંથી દરરોજ ભારત-ભૂટાન વચ્ચે 8-10 હજાર જેટલા દૈનિક કામદારો આવ-જા કરે છે.

ભારતના પાંચ રાજ્યો સાથે નેપાળની સરહદ લાગે છે. આ રાજ્યો છે – સિક્કીમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. ભારત સાથે નેપાળની 1,850 કિ.મી. લાંબી સરહદ છે.

નેપાળમાં આશરે છ લાખ જેટલા ભારતીયો વસે છે. જેમાં એવા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે જેઓ લાંબા સમયથી નેપાળમાં રહે છે. બીજાંઓ ડોક્ટરો, એન્જિનિયર્સ, આઈટી ક્ષેત્રના કામદારો જેવા વ્યાવસાયિકો છે, બીજાં મજૂરો છે જેઓ બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે.