સરહદ રક્ષણ કરવા તૈયાર થઈ રહ્યાં છે રોબોટ, સૈનિકોની જાનહાનિ ટળશે

નવી દિલ્હીઃ ભારતીય વૈજ્ઞાનિકો એક એવા રોબોર્ટ પર કામ કરી રહ્યા છે કે દરેક પ્રકારના વિસ્તારમાં આંતરરરાષ્ટ્રીય સીમાની રક્ષા કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ પ્રકારના રોબોટનો એક પ્રોટોટાઈપ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ શકે છે. ડિફેન્સ ક્ષેત્રની સાર્વજનિક કંપની BEL આ પ્રકારના રોબોટના વિકાસ પર કાર્ય કરી રહી છે. કંપનીને આના વિકાસ બાદ સેના પાસેથી સારા ઓર્ડર મળવાની અપેક્ષા છે.

બેલના રોબોર્ટમાં એવા સેન્સર અને પ્રોગ્રામ હશે, જે કન્ટ્રોલ સેન્ટરને તાત્કાલિક કોઈ જાણકારી મોકલી શકશે. આ રોબોટ શ્રીલંકામાં તાજેતરમાં થયેલા આતંકવાદી ઘટના જેવી સ્થિતિને રોકવા માટે પણ મદદરુપ સાબિત થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સીમા પર રોબોટ મુકવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે આનાથી સીમા પર આપણા જાંબાઝ જવાનોની શહાદત અથવા તેમના ઘાયલ થવાની ઘટનામાં ઘટાડો થશે. નાના ઓર્ડર માટે આ રોબોટનો ખર્ચ 70 થી 80 લાખ રુપિયા જેટલો છે. પરંતુ વધારે સંખ્યામાં ઓર્ડર મળવા પર રોબોટની કીંમતમાં ઘટાડો પણ થશે. અત્યારે બેલની બેંગ્લોર અને ગાઝિયાબાદ સ્થિત સેન્ટ્રલ રિસર્ચ લાઈબ્રેરી અને બેંગ્લોરના બેલ સોફ્ટવેર ટેક્નોલોજી સેન્ટરના 80 વૈજ્ઞાનિકો અને એન્જિનિયર રોબોટ તૈયાર કરવાના કામમાં લાગેલા છે.

આ ટીમે બેસિક રોબોટ તૈયાર પણ કરી લીધો છે, પરંતુ સીમાની સુરક્ષા માટે જે રોબોટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે નેક્સ્ટ જનરેશનનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેસ રોબોટ હશે. આ પ્રકારના રોબોટના વિકાસ માટે ખૂબ રો ડેટાની જરુરિયાત હોય છે, પરંતુ ડેટા મળ્યા બાદ તેનો ઉપયોગ એ પ્રકારે કરી શકાય કે રોબોટ દરેક પ્રકારનું કાર્ય કરી શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર બેલની યોજના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તૈયાર થઈ જનારા પ્રથમ પ્રોટોટાઈપ રોબોટની આંતરિક સમીક્ષા કરવાની છે. આના માટે યૂઝર ટ્રાયલ ફેબ્રુઆરી 2020 સુધીમાં શરુ થઈ શકે છે. બેલ આ વર્ષના અંત સુધીમાં ઘણા અન્ય એઆઈ ક્ષમતા વાળા ઉત્પાદન તૈયાર કરશે. જો કે આ પ્રકારના ઉત્પાદનો માટે તેને સેના પાસેથી કોઈ માંગ મળી નથી. પરંતુ તે પોતે જ આ પ્રકારનું ઉત્પાદન કરી રહી છે કે જે સેનાને ઉપયોગી સાબિત થઈ શકે.