ડોકલામ વિવાદના ટેન્શન વચ્ચે સીતારામને ચીનાઓને ‘નમસ્તે’નો અર્થ સમજાવ્યો

0
2763

નવી દિલ્હી – સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન શનિવારે સિક્કીમમાં નાથુ-લા ખાતે ભારત-ચીન સરહદે ગયાં હતાં અને ત્યાં એમણે ચાઈનીઝ સૈનિકોને ‘નમસ્તે’ કહ્યું હતું અને એનો અર્થ સમજાવ્યો હતો.

સંરક્ષણપ્રધાનનાં કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા વિડિયોમાં સીતારામનને ચીનનાં એક અધિકારી સાથે વાતચીત કરતાં જોઈ શકાય છે. એ ચીની અધિકારી બાદમાં પોતાના સાથીઓની સીતારામન તથા અન્ય ભારતીય લશ્કરી અધિકારીઓને ઓળખાણ કરાવે છે.

સીતારામને ચીની સૈનિકો-અધિકારીઓને હાથ જોડીને ‘નમસ્તે’ કર્યું હતું.

ત્યારબાદ એમણે ચીની સૈનિકોને અંગ્રેજીમાં પૂછ્યું હતું કે તમે ‘નમસ્તે’નો અર્થ જાણે છો ખરા?

જ્યારે ત્યાં હાજર ભારતીય સૈનિકોએ એનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સીતારામને હળવેકથી એમને અટકાવ્યા હતા.

સીતારામને ત્યારબાદ ચીની અધિકારીને ‘નમસ્તે’ના અર્થ વિશે પૂછ્યું હતું તો ચીનાએ જવાબમાં અંગ્રેજીમાં લગભગ બરાબર જ કહ્યું હતું: ‘તમને મળીને આનંદ થયો’.

ત્યારબાદ સીતારામને એમને પૂછ્યું હતું કે તમારી ભાષામાં ‘નમસ્તે’ને શું કહેવાય? ત્યારે સિનિયર જણાતા અધિકારીએ કહ્યું કે ‘ની હાઓ’.

સીતારામને ચીની અધિકારીના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની પ્રશંસા કરી હતી.