PNB કૌભાંડ: CVCનો આદેશ, 3 વર્ષથી વધુ જૂના અધિકારીઓની ટ્રાન્સફર કરો

નવી દિલ્હી- હીરા ઉદ્યોગના વેપારી નીરવ મોદીના PNB કૌભાંડ મામલામાં તપાસ એજન્સીઓએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જ્યાંથી કૌભાંડની શરુઆત કરવામાં આવી હતી તે મુંબઈની બ્રૈડી રોડ બ્રાંચ સીલ કરવામાં આવી છે. CBIએ બેન્કની બહાર નોટિસ લગાવી દીધી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ બ્રાંચને નીવર મોદી LOU મામલાને કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાંચમાં કોઈ કામકાજ કરવામાં નહીં આવે એટલું જ નહીં PNBનો કોઈ પણ કર્મચારી બ્રાંચમાં પ્રવેશ કરી શકશે નહીં.CVCનો કડક આદેશ

કેન્દ્રીય સતર્કતા આયોગે બધી બેન્કોને આદેશ આપ્યો છે કે, કોઈ પણ અધિકારીને ત્રણ વર્ષથી વધારે એક બ્રાંચમાં રાખવામાં આવે નહીં. આ ઉપરાંત CVCએ આદેશ આપ્યો છે કે, ક્લાર્ક કક્ષાના જે કર્મચારીઓએ 5 વર્ષ પુરા કર્યા છે તેમની પણ તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવે.

આ મામલે EDએ PNBના અનેક અધિકારીઓ અને નીરવ મોદી-ગીતાંજલિ ગૃપના અનેક કર્મચારીઓને સમન જારી કર્યા છે. EDએ નીરવ મોદી અને ચોક્સીની પ્રોપર્ટીઓ શોર્ટલિસ્ટ કરી છે. જેને હવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. EDએ આશંકા વ્યક્ત કરી છે કે, જે 11400 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે તમામ રુપિયા વિદેશ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને પકડવા CBIએ ઈન્ટરપોલની મદદ માગી છે. આ માટે વિશ્વના તમામ એરપોર્ટને પણ નોટિસ મોકલવામાં આવી છે. જેથી નીરવ મોદી ક્યાંય જવા ઈચ્છે તો પણ ભારતીય તપાસ એજન્સીઓને માહિતી મળી શકે.