બિહારમાં સીમાંચલ એક્સપ્રેસનાં 9 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા; 7 જણનાં મોત

પટના – બિહારમાં પાટનગર પટનાથી આશરે 30 કિ.મી. વૈશાલી જીલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સીમાંચલ એક્સપ્રેસનાં 9 ડબ્બા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછાં 7 જણનાં મોત નિપજ્યાં છે જ્યારે બીજાં અનેક જણ ઘાયલ થયા છે.

આ દુર્ઘટના આજે વહેલી સવારે લગભગ 3.58 વાગ્યે થઈ હતી.

બિહારના જોગબનીથી દિલ્હીના આનંદ વિહાર તરફથ જતી જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસ બિહારના હાજીપુર નજીકના સહાદાઈ બુઝુર્ગમાં પાટા પરથી ખડી પડી હતી.

ટ્રેન મેહનાર રોડ સ્ટેશનેથી પસાર થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી.

દુર્ઘટના સ્થળે પાટા તૂટેલા હોવાનું માલૂમ પડ્યું હતું.

ટ્રેનના  ત્રણ સ્લીપર કોચ – S8, S9, S10, એક જનરલ ડબ્બો અને એક AC B3 ડબ્બો પાટા પરથી ખડી પડ્યા હતા.

દુર્ઘટનાની જાણ થયા બાદ તરત જ ડોક્ટરોની એક ટૂકડી ત્યાં પહોંચી ગઈ હતી.

બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવા માટે એક અકસ્માત રાહત ટ્રેનને પણ ત્યાં મોકલવામાં આવી હતી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ખાતરી આપી છે કે દુર્ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી પૂર જોશમાં ચાલુ છે.

બિહારનાં મુખ્ય પ્રધાન નીતિશ કુમારે દુર્ઘટના અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.