પતિપત્ની બંનેના મૃત્યુના કિસ્સામાં પરિજનોને નહીં મળે પેન્શનની રકમ!!

નવી દિલ્હી– અસગંઠિત ક્ષેત્રના કામદારો માટે જાહેર કરાયેલી ન્યુ પેન્શન સ્કિમની એક જોગવાઈને લઈને સરકાર પર સવાલો ઉઠી રહ્યાં છે. સરકારે ન્યુ પેન્શન સ્કિમ હેઠળ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જો સ્કિમ સાથે જોડાયેલા પતિપત્ની બંન્ને મૃત્યુ પામે તેવા કિસ્સામાં પેન્શન ફંડના નાણાં પરિવાર અથવા તો અન્ય સભ્યોને નહીં મળે, તેના બદલે સરકારના ખાતામાં પરત જમા થઈ જશે. મહત્વનું છે કે, અત્યાર સુધી પતિપત્નીના મૃત્યુ બાદ તેમના વિવાહિત બાળકોને પેન્શન ફંડની રકમ આપવામાં આવતી હતી.

સરકારના આ પગલાને આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો યોગ્ય નથી ગણાવી રહ્યા, એક અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ન્યુ પેન્શન સ્કિમમાં પતિ પત્નીના મોત બાદ પણ પેન્શન ફંડ તેમના બાળકોને આપવું જોઈએ. પેન્શન યોજના માટે ગરીબ વ્યક્તિ તેમના ખર્ચમાં કાપ મુકીને નાણાં જમા કરાવતો હોય છે. જેથી સરકારે જે તે વ્યક્તિના મોત બાદ તેમના હિસ્સાના નાણાંના પોતાની પાસે ન રાખવા જોઈએ.

મહત્વનું છે કે, આ યોજના હેઠળ હક્કદારોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ પ્રતિ મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. પરંતુ સરકારે અંતરિમ બજેટમાં કહ્યું હતું કે, આ યોજનાને પાત્ર માત્ર એજ વ્યક્તિ હશે, જેમની ઉંમર 18થી 29 વર્ષની વચ્ચે હોઈ અને તે પ્રતિ મહિને 15 હજારથી ઓછુ કમાતો હોઈ. જોકે, નોટિફિકેશન મારફતે સરકારે ઉંમર મર્યાદામાં વધારો કરીને 40 વર્ષ કરી દીધી છે. પરંતુ તેના માટે ગ્રાહકોએ પ્રીમિયમની રકમ વધારે ભરવું પડશે. જેમ જેમ ઉંમરમાં વધારો થશે તેમ તેમ પેન્શન સ્કિમના ગ્રાહકોનું પ્રીમિયમ પણ વધતુ જશે. ટ્રેડ યુનિયનો સરકારની આ યોજનાની વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, સરકાર મજૂરોને બચતને હડપવાની કોશિશમાં છે. જ્યારે તેના ખરા હક્કદાર તેમના પરિવારજનો છે.