રાજ્યસભાના ઉપસભાપતિ માટે NCPના વંદના ચૌહાણ બની શકે છે વિપક્ષના ઉમેદવાર

0
1408

નવી દિલ્હી- રાજ્યસભામાં ઉપસભાપતિના પદ માટે નવ ઓગસ્ટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે NCPના વંદના ચૌહાણ વિપક્ષ તરફથી ઉમેદવાર બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે હજી સર્વસમ્મતિ સધાઈ નથી. પરંતુ આ મુદ્દે વિરોધ પક્ષના નેતાઓની બીજીવાર મળેલી બેઠક દરમિયાન એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, વંદના ચૌહાણને માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ NDAના કેટલાંક સહયોગીઓનું પણ સમર્થન મળી શકે છે.મહત્વનું છે કે, મોટા ભાગના વિરોધ પક્ષોએ વંદના ચૌહાણના નામ ઉપર સમ્મતિ આપી છે. જોકે, કદાચ અંતિમ સમયે ફેરફાર કરવામાં આવે તો નવાઈ નહીં. વંદના ચૌહાણના નામનો પ્રસ્તાવ બહુજન સમાજ પાર્ટીના નેતા સતીષચંદ્ર મિશ્રાએ કર્યો હતો. અને TMCના ડેરેક ઓબ્રાયને તેનું અનુમોદન કર્યું. આ પ્રસ્તાવને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, હાલમાં નિવૃત્ત થયેલા ઉપસભાપતિ પી.જે. કુરિયનનો કાર્યકાળ ગત મહિને પુરો થયો છે. NDA દ્વારા ઉપસભાપતિના પદ માટે હજી સુધી કોઈ ઉમેદવારના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ બિહારના JDUના સદસ્ય હરિવંશ NDAના ઉમેદવાર હોઈ શકે છે. 244 બેઠકો ધરાવતા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી જીતવા માટે 123 મતની જરુર પડશે.