નક્સલીઓની વધશે મુશ્કેલી, સુરક્ષાદળોના ટાર્ગેટ પર છે ટૉપ-20 કમાંડર

0
1754

નવી દિલ્હી- આગામી દિવસોમાં નક્સલીઓની મુશ્કેલી વધશે. આપને જણાવી દઈએ કે, દેશની સુરક્ષા એજન્સીઓ મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાંડરોની યાદી તૈયાર કર્યા બાદ તેમના ઉપર જલદી મોટું ઓપરેશન શરુ કરવાની તૈયારી કરી રહી છે.મળતી માહિતી મુજબ ઓપરેશન પ્રહાર-3 અંતર્ગત એવા મોટા નક્સલવાદીઓને ટાર્ગેટ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેઓ નિર્દોષ યુવાનોને નક્સલી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે. સુરક્ષા દળો દ્વારા ટોચના 20 કમાંડરોની યાદી તૈયાર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ યાદીમાં નક્સલી આતંકી હિડમા ઉપરાંત અન્ય કેટલાક કમાંડરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં મુપ્પલા લક્મના રાવને સુરક્ષા દળોએ યોદીમાં સૌથી મોખરે રાખ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નક્સલી કમાંડર અત્યારે છત્તીસગઢના માડ વિસ્તારમાં છુપાઈને તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.

બીજી તરફ પ્રશાંત બોઝ નામનો નક્સલી ઝારખંડ પાસેના સારાંડાના જંગલોમાંથી તેની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. સુરક્ષા દળોના જણાવ્યા મુજબ આ નક્સલીઓ ટૂંક સમયમાં જ શરણાગતિ સ્વીકારશે અથવા ઓપરેશન પ્રહાર અંતર્ગત તેમને ઠાર કરવામાં આવશે.